28 August, 2024 03:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટ્રાફિકવાળા રોડ પર અચાનક બાઇકનું આગળનું ટાયર ઊંચું કરી નાખ્યું, એમાં પાછળ બેઠેલી યુવતી સીટ અને પાછલા ટાયરની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ
ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે બૉયફ્રેન્ડે કેટલુંબધું કરવું પડે, પણ પછાડો તો કેવી રીતે ઇમ્પ્રેસ થાય. સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડિયો વાઇરલ થયો છે. એક યુવક સ્પોર્ટ્સ બાઇક ચલાવે છે. પાછળ યુવતી બેઠી છે. યુવક યુવતીને બેસાડીને બાઇક પર નીકળ્યો અને એકદમ સ્ટન્ટ શરૂ કરી દીધું. ટ્રાફિકવાળા રોડ પર અચાનક બાઇકનું આગળનું ટાયર ઊંચું કરી નાખ્યું, એમાં પાછળ બેઠેલી યુવતી સીટ અને પાછલા ટાયરની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ. જોકે યુવકે તરત જ બ્રેક મારીને બાઇક રોકી દીધી અને યુવતી નીચે પડી ગઈ. આને સ્ટન્ટ નહીં, ગાંડપણ કહેવાય.
પંજાબનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં એક બુરખાધારી મહિલા અને તેનો પતિ સ્કૂટર પર પોતાના બાળકને કાનુડો બનાવીને ક્યાંક લઈ જઈ રહ્યાં છે. વિડિયોમાં કાનુડાના વેશમાં સજ્જ દીકરાને લઈને બુરખાધારી મા ઘરમાંથી નીકળે છે અને સ્કૂટર પર બેસીને દીકરાની સ્કૂલે જતાં જોવા મળે છે.
ટેસ્ટ ડ્રાઇવ સામાન્ય રીતે કાર કેવી ચાલે છે એ જોવા માટે હોય છે, પણ અહીં તો ડ્રાઇવરને કેટલું ડ્રાઇવિંગ આવડે છે એની ખબર પડી ગઈ, એય પાછી બહુ મોંઘી પડી. બન્યું એવું કે કોચ્ચીના વિલિંગ્ડન ટાપુ પર નવીનક્કોર મર્સિડીઝ બેન્ઝ AMG મૉડલની બે કાર સામસામે ભટકાઈ. શનિવારે કેન્દ્રીય વિદ્યાલય મેદાન પાસે એક મહિલા ફુલ સ્પીડમાં GT 63 કાર ચલાવતી હતી. એમાં જૂના રેલવે-ટ્રૅકના ઊંચા ભાગ સાથે અથડાયા પછી મહિલા સ્ટિયરિંગ પર નિયંત્રણ ન રાખી શકી અને એક માણસને અડફેટે લીધો. પછી સામેથી આવતી SL 55 રોડસ્ટાર સાથે ભટકાઈ. અથડામણમાં બન્ને કારને ભારે નુકસાન થયું છે. એ પછી મહિલાચાલકને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડી.
બિહારના હાજીપુરમાં એક બાબા બહુ ચર્ચામાં છે. નામ ઋષિ છે, પણ લોકોને લાકડી મારી-મારીને સાજા કરવાનો દાવો કરે છે. વિદેશમાંથી પણ લોકો માર ખાઈને સાજા થવા આ બાબા પાસે આવે છે. વૈશાલી જિલ્લાના હાજીપુરના ઔદ્યોગિક વિસ્તાર હિલાલપુરમાં આ ‘છડીવાલે બાબા’ તરીકે ઓળખાય છે. આ બાબા કોઈ મંત્ર ભણતાં-ભણતાં દરદીને માથાથી પગ સુધી લાકડી મારે છે અને તેનું દરદ મટાડે છે. અઠવાડિયામાં ફક્ત રવિવારે અને મંગળવારે જ બાબાનું છડી-ક્લિનિક ખૂલે છે. એક દિવસમાં ૩૦૦થી ૪૦૦ લોકો આવે છે અને માર ખાવાથી આરામ મળે છે એવું કહેનારા લોકો પણ ઘણા છે.
રેલવે-ટ્રૅક ક્રૉસ ન કરવો એવી સલાહ બધે ગાઈવગાડીને આપવામાં આવે છે છતાં લોકો શૉર્ટકટ માટે પાટા ઓળંગે છે. તેલંગણમાં પણ આવી જ પાટા ઓળંગવાની ઘટનામાં એક આદિવાસી મહિલાએ લિટરલી મોતને બહુ નજીકથી જોઈ લીધું હતું. આ ઘટનાનો વિડિયો તેલુગુની એક ચૅનલમાં ફરી રહ્યો છે. તેલંગણના વિકારાબાદ જિલ્લામાં બનેલી આ ઘટનાના વિડિયોમાં બે મહિલાઓ પાટા ઓળંગી રહી છે એવામાં પૂરઝડપે ટ્રેન આવે છે. એક મહિલા તો ઝડપ વધારીને પાટો ઓળંગી લે છે, પણ બીજી મહિલા અટવાઈ જતાં ટ્રૅક પર જ બરાબર વચ્ચે સૂઈ જાય છે. આખી ટ્રેન પસાર થઈ ગયા પછી તે માથું ઊંચકીને રાહતનો શ્વાસ લે છે.