29 September, 2024 03:33 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
‘આંખ સે છલકા આંસુ જા ટપકા શરાબ મેં’ ગીત પર બાર-ડાન્સર્સ સરકારી સ્કૂલમાં નાચી
બાળકો સવારે જ્યાં ભણ્યાં હતાં ત્યાં જ રાતે શરાબ અને શબાબની મહેફિલ જામી હતી. બિહારના સહરસા જિલ્લાની આ ઘટનાએ હોબાળો મચાવ્યો છે. વીરગાંવ નામના ગામની નયા ટોલા પ્રાથમિક શાળામાં ૨૪ સપ્ટેમ્બરે એક જાનને ઉતારો આપ્યો હતો. રાતે જાનૈયાઓએ દારૂની રેલમછેલ કરી હતી અને બાર-ડાન્સર્સ બોલાવીને ‘આંખ સે છલકા આંસુ જા ટપકા શરાબ મેં’ જેવાં ગીતો પર અશ્લીલ ડાન્સ કરાવ્યો હતો. એ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં શિક્ષણ-વિભાગ અને પોલીસ ભાનમાં આવી અને તપાસ શરૂ કરી દીધી છે.
કેન્દ્ર સરકારે ૨૦૧૪થી ચાઇનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે છતાં કોઈ જ રોકટોક વિના એ વેચાય છે. એ માટે લખનઉ હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ રાજન રૉય અને ન્યાયમૂર્તિ ઓ. પી. શુક્લાની ખંડપીઠ સમક્ષ અરજદાર અડધો કિલો ચાઇનીઝ લસણ લઈને આવ્યો અને ટેબલ પર મૂકી દીધું. અરજદારે એ પુરવાર કરી દીધું કે પ્રતિબંધ છતાં ચાઇનીઝ લસણ વેચાય છે. એ જોઈને ખંડપીઠ ગુસ્સે ભરાઈ અને ઉત્તર પ્રદેશ સરકારના ખાદ્ય સુરક્ષા અને ઔષધ નિયમન વિભાગના અધિકારીને હાજર થવા ફરમાન કર્યું. કોર્ટે પૂછ્યું છે કે પ્રતિબંધ હોવા છતાં લસણ કઈ રીતે વેચાય છે?
ગૂગલના ૨૬મા જન્મદિવસે દિલ્હી પોલીસે ગૂગલને બર્થ-ડે વિશ કર્યો એવો કદાચ અત્યાર સુધી કોઈએ નહીં કર્યો હોય. દિલ્હી પોલીસે ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આનો વિડિયો મૂક્યો છે. પોલીસે ગૂગલને લખ્યું છે કે ‘ગૂગલ, તું ૨૬નો થઈ ગયો, પણ આ સવાલના જવાબ આપી શકીશ... લોકો ઓછી વિઝિબિલિટીમાં હેડલાઇટ કેમ બંધ કરી દે છે? લોકો ડ્રાઇવિંગ કરતી વખતે ટેક્સ્ટ મેસેજ કેમ મોકલે છે? વળાંક વખતે જ લોકો ઓવરટેક કેમ કરે છે? રિયર વ્યુ મિરરમાં લોકો પોતાનું મોઢું કેમ જુએ છે?’ દિલ્હી પોલીસે વાહનચાલકોને પણ સંદેશો આપ્યો કે ‘આ બધા સવાલ ક્યારેક ગંભીર નુકસાનનું કારણ પણ બની શકે છે એટલે જીવનને અઘરું ન બનાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો. સુરક્ષા સાથે રમત ન કરો...’
અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. અસંખ્ય લોકો પૂર્વજો, પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણવિધિ કરી રહ્યા છે, કાગવાસ નાખી રહ્યા છે, પણ મધ્ય પ્રદેશના નરસિંહપુરના એક વડીલ ૨૯ તારીખે પોતાનો જ મૃત્યુ મહોત્સવ ઊજવશે. એ માટે તેમણે આમંત્રણ પત્રિકા પણ છપાવી છે. સ્વામી પરસરામ સાહૂ ઓશોની ધરતી ગણાતી ગાડરવારા નગરમાં રહે છે અને ત્યાંના સંસ્કાર પૅલેસમાં ૨૯ તારીખે સાંજે ૭ વાગ્યે મૃત્યુ મહોત્સવનું તેમણે આયોજન કર્યું છે. ધામધૂમથી મૃત્યુ મહોત્સવ ઊજવવા નર્મદામૈયાએ પ્રેરણા આપી હોવાનું કહેતા સ્વામી પરસરામના મતે જીવન ઉત્સવ છે તો મૃત્યુ મહોત્સવ છે. લોકો જન્મદિવસે ખુશ હોય છે અને મૃત્યુ નજીક આવે ત્યારે દુખી થાય છે, પણ જીવનનું પરમ સત્ય જ આ છે એટલે તેમણે જીવતાં જગતિયું કરવાનું નક્કી કર્યું છે.