ન્યુસ શોર્ટમાં : હાર્ટના દરદીઓનો જીવ બચાવશે ૭ રૂપિયાની રામ કિટ અને વધુ સમાચાર

12 January, 2024 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃદયના દરદીઓ માટે કાનપુરની લક્ષ્મીપત સિંઘાણિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ કાર્ડિઍક સર્જરી દ્વારા વિકસિત ઇમર્જન્સી કિટને ‘રામ કિટ’ નામ આપવામાં આવ્યું છે

રામ મંદિર

હૃદયના દરદીઓ માટે કાનપુરની લક્ષ્મીપત સિંઘાણિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ કાર્ડિઍક સર્જરી દ્વારા વિકસિત ઇમર્જન્સી કિટને ‘રામ કિટ’ નામ આપવામાં આવ્યું છે. એમાં રામમંદિરનો ફોટો, મહત્ત્વની દવા અને હૉસ્પિટલના હેલ્પલાઇન નંબરનો સમાવેશ છે. પ્રયાગરાજની કૅન્ટૉનમેન્ટ હૉસ્પિટલના સત્તાવાળાઓ ૧૩ જાન્યુઆરીથી સંગમ શહેરમાં ૫૦૦૦ પરિવારમાં ‘રામ કિટ’નું વિતરણ કરશે, જે આવું કરનાર રાજ્યની પ્રથમ હૉસ્પિટલ છે. આ રામ કિટમાં ત્રણ દવાનો સમાવેશ થાય છે, જેમાં ઇકોસ્પ્રિન (લોહીને પાતળું કરનાર), રોસુવાસ્ટેટિન (કૉલેસ્ટરોલ નિયંત્રણ) અને સોર્બિટ્રેટ (હૃદયની વધુ સારી કામગીરી માટે)નો સમાવેશ છે, જે હૃદયની બીમારીઓથી પીડિત વ્યક્તિને તાત્કાલિક રાહત આપવામાં મદદરૂપ થાય છે. શિયાળાની ઋતુમાં હૃદયરોગ અને બ્રેઇન સ્ટ્રોકના કેસ વધતા હોવાથી તાત્કાલિક મદદની જરૂર હોય અને જીવન બચાવવા માટે રામ કિટ ઉપયોગી થશે.

લક્ષ્મીપત સિંઘાણિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ કાર્ડિઍક સર્જરીના વરિષ્ઠ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નીરજ કુમાર કહે છે કે ‘આ કિટમાં લોહીને પાતળું કરવા, હૃદયની નસોમાં રહેલા બ્લૉકેજને ખોલવા અને હૃદયના દરદીને તાત્કાલિક રાહત આપતી દવાઓ છે. દરદીઓએ જ્યારે છાતીમાં દુખાવો થાય ત્યારે કિટમાં આપવામાં આવેલી દવા લેવી જોઈએ અને નજીકની હૉસ્પિટલમાં દોડી જવું જોઈએ.

ભવ્ય રંગોળી 

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરની થીમ પર આધારિત ભવ્ય રંગોળી બૅન્ગલોરના એક મૉલની બહાર અક્ષય નામના રંગોળી-આર્ટિસ્ટે તૈયાર કરી છે. 

૩૦૦ ફુટનો દીવો 


આયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે એક અધધધ જાયન્ટ કહી શકાય એવો દીવડો તૈયાર કરવામાં આવ્યો છે. જમીન પર પથરાયેલો ૩૦૦ ફુટનો દીવો બનાવ્યા પછી એની પૂજા કેટલાક પૂજારીઓએ કરી હતી. 

offbeat videos offbeat news social media viral videos ram mandir