14 October, 2024 06:07 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
વિસ્મયા અને કાર્તિક
કેરલાના એર્નાકુલમ જિલ્લામાં બે મહિના પહેલાં પરણેલાં વિસ્મયા અને કાર્તિક નામનું યંગ કપલ ત્રણ દિવસની પૂજા પતાવીને શુક્રવારે સાંજે પોતાના ઘરે જઈ રહ્યું હતું ત્યારે કોલેન્ચેરી ગામ પાસે તેમનો ઍક્સિડન્ટ થયો હતો. રસ્તામાં ખાડો આવતાં તેમની કાર રોડ પરથી સાઇડમાં ખસી ગઈ હતી અને રોડના કિનારે આવેલા પંચાયતના કૂવાની દીવાલ તોડીને કૂવામાં ખાબકી હતી. કૂવો ૩૦ મીટર ઊંડો હતો અને કાર સીધી એમાં પડી હતી. જોકે કૂવામાં બહુ પાણી નહોતું. રાતે લગભગ ૯.૨૦ વાગ્યાનો સમય હતો ત્યારે ત્યાંથી પસાર થતા એક માણસે આ ઘટના જોઈ એટલે તેણે બૂમાબૂમ કરીને સ્થાનિક લોકોને ભેગા કરી દીધા હતા. લોકોએ કૂવામાં એક સીડી નીચે ઉતારી ત્યાં સુધીમાં કાર્તિક અને વિસ્મયા કારનો પાછળનો ભાગ તોડીને કારની બહાર નીકળીને ઉપર ચડી ગયાં હતાં. ગામલોકોએ મૂકેલી સીડી પરથી બન્ને વારાફરતી ઉપર આવી ગયાં હતાં. કાર્તિક અને વિસ્મયાની કાર સાવ ખતમ થઈ ગઈ, પણ બન્નેને સામાન્ય ઘા-ઘસરકા જ થયા છે. રામ રાખે તેને કોણ ચાખે?