ફ્લૉરિડામાં જોવા મળી પીળા રંગની દરિયાઈ ગોકળગાય

11 October, 2023 10:10 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

આ વિસ્તારના પ્રચલિત કૉકટેલના નામે એને માર્ગરિટા ગોકળગાય નામ આપવામાં આવ્યું છે

પીળા રંગની દરિયાઈ ગોકળગાય

પૃથ્વી પર અનેક અજાયબીઓ છે. માણસને કેટલાક વિશે જાણકારી હોય છે તો કેટલાક વિશે તેઓ અજાણ હોય છે. તાજેતરમાં એક સંતરા જેવા પીળા રંગની સમુદ્રમાં રહેતી ગોકળગાય વિશે જાણકારી મળી છે. આ ગોકળગાય ફ્લૉરિડાના ૧૦૦ માઇલ સુધી વિસ્તરેલા ટાપુના સમૂહ પાસેથી મળી આવી છે. વળી એ અમેરિકાના આ ટાપુ નજીકના કોરલ સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતી.

આ વિસ્તારના પ્રચલિત કૉકટેલના નામે એને માર્ગરિટા ગોકળગાય નામ આપવામાં આવ્યું છે. દરિયામાં જોવા મળતી ગોકળગાય એ સામાન્ય રીતે બાગમાં જોવા મળતી ગોકળગાય જેવી જ રચના ધરાવે છે. જોકે જમીન પર જતી ગોકળગાય એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પરંતુ દરિયામાં જોવા મળતી ગોકળગાયને જો યોગ્ય સ્થાન મળી જાય તો તે ત્યાં જ પોતાના માટે શેલ બનાવે છે અને પછી ત્યાંથી ક્યારેય ખસતી નથી. આ ગોકળગાય વિશે અભ્યાસ કરનાર ડૉ. રુડિગર બીલેર છેલ્લા ચાર દાયકાથી પશ્ચિમ ઍટલાન્ટિકમાં કરોડરજ્જુ સિવાયનાં પ્રાણીઓનો અભ્યાસ કરે છે, પરંતુ આ ગોકળગાયનું કદ એટલું નાનું છે કે સ્કૂબા ડાઇવિંગ વખતે પણ એ દેખાતી નથી. રુડિગર બીલેર શિકાગોમાં આવેલી કરોડરજ્જુ સિવાયનાં પ્રાણીઓના મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની કામગીરી પણ બજાવે છે. તેમના મતે આ ગોકળગાય અલગ-અલગ રંગની હોય છે. એક જ રાફડામાં પીળા, નારંગી અને રાખોડી રંગની ગોકળગાય હોય છે. આવું કદાચ માછલીને મૂંઝવણમાં નાખવા માટે હોઈ શકે છે. વળી એ બધી એકબીજા કરતાં અલગ હોય છે. પીળા રંગની ગોકળગાયને કેયો માર્ગરિટા નામ આપવામાં આવ્યું હતું, તો લીલાશ પડતા પીળા રંગની ગોકળગાયને કેયો ગૅલબિનસ નામ આપવામાં આવ્યું હતું.

florida offbeat news international news world news