30 March, 2023 11:27 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
મરણ બાદનો અનુભવ કરાવતું ડેથ સિમ્યુલેટર
જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે શું થાય છે એ વિશ્વનું સૌથી મોટું રહસ્ય છે. પરંતુ વર્ચ્યુઅલ રિયલિટી લોકોના મરણ પછીના જીવનના ડરને શાંત કરવામાં મદદ કરી શકે છે. શૉન ગ્લૅડવેલ નામક કલાકારે મરણ નજીક હોય એ સમયનો અનુભવ કેવો હોય અને છેલ્લી ક્ષણોમાં શું થાય એ બતાવ્યું છે જેમાં કાર્ડિઍક અરેસ્ટથી લઈને બ્રેઇન ડેથ સુધી શું થાય છે એની ઝલક જોવા મળે છે. આ સિમ્યુલેટર કોઈ વ્યક્તિ જાણે બહારથી પોતાના મૃતદેહને જોતો હોય એવી પ્રતીતિ કરાવે છે. એક ટિકટૉકર આ ક્રોમ૧૨ તરીકે ઓળખાતા અનુભવમાંથી પસાર થતો હતો, જેમાં તેને એવું દેખાય છે કે તે એક પલંગ પર સૂતો છે. ત્યારે તે વાઇબ્રેટ થતો હતો. પછી ડૉક્ટરો તેને પુન:જીવિત કરવામાં નિષ્ફળ રહ્યા હોય છે. આ અનુભવ લોકોને ચિંતાતુર કરી શકે છે, કારણ કે કોઈ વ્યક્તિ ગમે ત્યારે મરણ પામી શકે છે. કેટલાક લોકો હોય છે જે સાવ મરણપથારીએ હોય છે પરંતુ સાજા થાય છે ત્યારે કોઈ એક અંધારી ટનલના છેડે પ્રકાશ જોવાનો અને પ્રિયજનોના અવાજ સાંભળવાનો અનુભવ જણાવે છે. પરંતુ એક વાર હૃદય ધબકતું બંધ થઈ જાય પછી કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી કે શું થાય છે. આ મશીન બનાવનાર ગ્લૅડવેલને એવી આશા છે કે લોકો આના થકી મરણની લાગણી અનુભવી શકે છે. ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એના પાસિંગ ઇલેક્ટ્રિકલ સ્ટૉર્મ નામક આ મશીનને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર એક હૉસ્પિટલના બેડ પર સૂતા હોય છે. એક એક્સઆર હેડસેટ પહેરે છે. તેમને કાર્ડિઍક અરેસ્ટ આવે છે. તેમને સાજા કરવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે. ત્યાર બાદ આ શરીરમાંથી જીવ બહાર જાય છે અને પૃથ્વીના ગ્રહમાંથી પણ બહાર નીકળી જાય છે.