હવે હાર્ટનો રિપ્લેસમેન્ટ વાલ્વ શરીરની અંદર જ ઊગે એવી ટ્રીટમેન્ટ શક્ય બનશે

07 February, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કાં તો ઓપન હાર્ટ સર્જરી હોય છે કાં પછી મિનિમલી ઇન્વેસિવ કૅથેટર થકી થતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

હાર્ટના વાલ્વને ચેન્જ કરવાની સર્જરી ભલે હવે કૉમન થઈ ગઈ હોય, પણ એમાં સંકળાયેલું જોખમ હજીયે એવું ને એવું જ છે. હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કાં તો ઓપન હાર્ટ સર્જરી હોય છે કાં પછી મિનિમલી ઇન્વેસિવ કૅથેટર થકી થતી હોય છે. જોકે યુકેની ઇમ્પીરિયલ કૉલેજ લંડન અને હેરફીલ્ડ હૉસ્પિટલના રિસર્ચરોએ એક આશાનું કિરણ જન્માવે એવી ટ્રીટમેન્ટ શોધી કાઢી છે. એમાં માનવશરીરની નૅચરલ રિપેર મેકૅનિઝમ વાપરીને નવો વાલ્વ બૉડીમાં જ ઉગાડી શકાય એમ છે. આ ટ્રીટમેન્ટ વિશે કમ્યુનિકેશન્સ બાયોલૉજી નામના જર્નલમાં વિગતવાર અભ્યાસ છપાયો છે. હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ એ લાઇફ-સેવિંગ ટ્રીટમેન્ટ છે, પણ મેકૅનિકલ અને બાયોલૉજિકલ વાલ્વની પોતાની મર્યાદા છે. મેકૅનિકલ વાલ્વ લગાવનારા દરદીઓએ આખી જિંદગી બ્લડ ક્લોટિંગ પ્રિવેન્શન માટે દવા લેવી પડે છે. જ્યારે બાયોલૉજિકલ વાલ્વ દસથી પંદર વર્ષ જ ચાલે છે. વાલ્વની જન્મજાત ખામી સાથે અવતરેલાં બાળકોની ટ્રીટમેન્ટ આ કારણસર અઘરી થઈ જાય છે. તેમનામાં આ વાલ્વ પુખ્ત થતાં સુધીમાં ફરી બદલવો પડે છે. 

જોકે હાલમાં ઇમ્પીરિયલ્સ નૅશનલ હાર્ટ ઍન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ ઍન્ડ હેરફીલ્ડ હાર્ટ સાયન્સ સેન્ટરના નિષ્ણાત ડૉ. યુઆન ત્સાંગ ત્સેન્ગ અને તેમની સંશોધકોની ટીમે નૅનોફાઇબ્રસ પૉલિમેરિક વાલ્વ તૈયાર કર્યો છે. ડૉ. ત્સેન્ગ કહે છે કે ‘આ વાલ્વ બાયોડિગ્રેડેબલ પૉલિમર સ્કેફૉલ્ડનો બનેલો હોય છે. એ એક વાર શરીરની અંદર જાય એ પછી આપમેળે એ સ્કેફૉલ્ડ ખૂલી જાય છે અને અંદર બાયોરીઍક્ટરનું કામ કરે છે અને શરીરને નવો ટિશ્યુ પેદા કરવામાં મદદ કરે છે. આ સ્કેફૉલ્ડમાં જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે એ નવું ઇનોવેશન છે. આ સ્કેફૉલ્ડની મદદથી ચોક્કસ નર્વ્સ અને ફૅટી ટિશ્યુ ગ્રો કરવામાં સફળતા મળી ગઈ છે અને અમને આશા છે કે આ એક નૉર્મલ વાલ્વની જેમ ગ્રો થઈ શકશે.’

offbeat news offbeat videos social media viral videos