02 December, 2022 11:47 AM IST | New Milton | Gujarati Mid-day Correspondent
બ્રિટનના હૅમ્પશરમાં ન્યુ મિલ્ટનના બાયરન રોડના રહેવાસીઓ ચૅરિટી માટે પોતાના ઘરમાં રોશની કરે છે
બ્રિટનના હૅમ્પશરમાં ન્યુ મિલ્ટનના બાયરન રોડના રહેવાસીઓ ચૅરિટી માટે પોતાના ઘરમાં રોશની કરે છે. બ્રિટનની આ સૌથી ઉત્સવઘેલી શેરી ફરી એક વાર વન્ડરલૅન્ડમાં ફેરવાઈ ગઈ છે, પણ આખી શેરીમાં માત્ર એક જ ઘરમાં ઉત્સવનો ઉત્સાહ જણાતો નથી. જૉલી સ્ટ્રીટના રહેવાસીઓ મોટે પાયે ક્રિસમસની રોશની કરે છે જે આખી શેરીમાં ઝગમગાટ રેલાવે છે.
ક્રિસમસના તહેવારની ઉજવણી માટે આખી શેરીમાં ઉત્સવનું આયોજન કરનાર પિતા-પુત્ર ગેડ હોલિયોક અને જેસન ડીન લગભગ છેલ્લાં ૧૫ વર્ષથી આમ કરે છે. જોકે એક સ્થાનિક રહેવાસી લગભગ એટલાં જ વર્ષોથી એક જુદી જ પરંપરા નિભાવી રહ્યો છે. તે આ ઉત્સવમાં સક્રિય રીતે ભાગ જ નથી લેતો.
શેરીમાં ઉત્સવની ઉજવણી માટે ભેગા થયેલા પર્યટકો રોશનીથી ઝળહળતાં ઘરો સાથે ફોટો પાડે છે. સહેજે બેથી અઢી મહિનામાં કરાયેલી આખી શેરીની સજાવટમાં આદમકદ જાનવરોનાં કટઆઉટ પરની લાઇટિંગ તેમ જ ચમકીલા સૅન્ટા ક્લૉઝ પણ છે.
૨૦૦૪થી પ્રતિ વર્ષ આયોજિત આ શેરીમાં હંમેશાં આનંદી લોકોની ભીડ જામેલી હોય છે. જોકે મહામારી દરમ્યાન આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું નહોતું. ૬ વર્ષ પહેલાં કૅડબરીની ક્રિસમસની જાહેરાતમાં આ શેરી દર્શાવાઈ હતી, પરંતુ એમાં પણ આ એક ઘર અલગ તરી આવતું હતું.