દર વર્ષની જેમ આ આઠમે પણ અમદાવાદના પુરુષોએ સાડી પહેરીને ગરબે ઘૂમવાની પરંપરા જાળવી રાખી

24 October, 2023 10:35 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બારોટ સમાજ વંશ રાખવા માટે હજી પણ વર્ષોપુરાણી પ્રણાલીને અનુસરવામાં સાડી કે ચણિયાચોળી પહેરીને ગરબા રમવામાં કોઈ છોછ અનુભવતા નથી

વર્ષોપુરાણી પ્રથા-પ્રણાલિકાને અનુસરી રહ્યા છે

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં નવરાત્રિની આઠમે પુરુષોએ સાડી, ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમવાની પરંપરા જાળવી રાખીને માતાજીના ગરબા ગાતાં-ગાતાં ગરબે ઘૂમ્યા હતા અને સદુમાતાની બાધા-આખડી પૂરી કરી હતી. અહીં વર્ષોથી આઠમના નોરતે બારોટ સમાજના પુરુષો સ્ત્રીઓનાં કપડાં પહેરીને ગરબા રમે છે. બારોટ સમાજ વંશ રાખવા માટે આજે પણ વર્ષોપુરાણી પ્રથા-પ્રણાલિકાને અનુસરી રહ્યા છે અને સાડી પહેરીને ગરબા રમવામાં કોઈ પણ જાતનો છોછ અનુભવતા નથી.

સમાજના અગ્રણી નીલેશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના યુગમાં પણ આઠમની નવરાત્રિએ સદુમાતાના ગરબે રમવાની પ્રથા-પ્રણાલીને બારોટ સમાજે જાળવી રાખી છે. બારોટ સમાજના પુરુષો વંશ રાખવા માટે નવરાત્રિની આઠમે  સદુમાતાના ગરબા ગાય છે અને પુરુષો સાડી, ચણિયો, બ્લાઉઝ પહેરીને માતાજીના ગરબે રમે છે. લોકો પોતાની બાધા પૂરી કરવા માટે ગરબા રમે છે, તો સમાજના ઘણા પુરુષો વર્ષોથી કરવઠું જાળવી રાખીને સ્ત્રીવેશ ધારણ કરીને ગરબા રમે છે. આજના સમયે બારોટ સમાજના યુવાન હોય કે મોટી ઉંમરના પુરુષ હોય કોઈ પણ જાતનો છોછ રાખ્યા વગર સ્ત્રીઓનાં કપડાં પહેરીને આઠમની રાતે ગરબે રમે છે અને એમાં નાનમ નથી અનુભવતા. આ પ્રણાલી વર્ષોથી ચાલી આવી છે.’

navratri navratri 2023 ahmedabad gujarat gujarat news offbeat news national news