13 November, 2023 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ્રુવીય પ્રકાશ સમયે નાસાએ છોડ્યું રૉકેટ
ઉત્તર ધ્રુવમાં ઘણી વખત રાતના સમયે આકાશમાં લીલા રંગનો પ્રકાશ જોવા મળે છે, જેને ઔરોરા તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યો માટે આ સમગ્ર દૃશ્ય ભારે કુતૂહલનું કારણ બને છે. અમેરિકાના અલાસ્કામાં આવા જ સમયે નાસાએ આકાશમાં રૉકેટ છોડ્યું હતું. પરિણામે સમગ્ર દૃશ્ય વધુ સુંદર બન્યું હતું. આ વિડિયો-ક્લિપને પાંચ લાખથી વધુ લોકોએ જોઈ છે. નાસાએ જણાવ્યા પ્રમાણે ૮ નવેમ્બરે છોડવામાં આવેલું રૉકેટ અલાસ્કાના પોકર ફ્લૅટ રિસર્ચ રેન્જમાંથી છોડવામાં આવ્યું હતું. ઔરોરા કઈ રીતે સમગ્ર વાતાવરણમાં ગરમી માટે કારણરૂપ બને છે અને પવનો ફૂંકાય છે એ સમજવાનો પ્રયાસ કરશે. વિડિયો-ક્લિપમાં નજરે પડે છે કે લીલા રંગના આકાશમાં રૉકેટનો પ્રકાશ થોડી ખલેલ પહોંચાડે છે અને રૉકેટના પ્રકાશને કારણે આકાશ વધુ પ્રકાશિત થાય છે. લૉન્ચિંગ વખતે ત્યાં હાજર રહેલા લોકો માટે સમગ્ર નઝારો જોવો એક લહાવો હતો. નાસાએ જણાવ્યા પ્રમાણે સૂર્યમાં વિસ્ફોટ થતાં ચાર્જ થયેલાં સૂર્યનાં કિરણો ઝડપથી પૃથ્વીના ઑક્સિજન અને નાઇટ્રોજનના સંપર્કમાં આવે છે ત્યારે એ વિવિધ રંગમાં પ્રકાશિત થાય છે. આવી ઘટનાઓ પૃથ્વીના ઉત્તર તેમ જ દક્ષિણ ધ્રુવમાં મોટા ભાગે જોવા મળે છે.