16 March, 2024 01:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ
તાજેતરમાં એક પ્રોગ્રામમાં ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ પત્ની સુધા મૂર્તિ સાથે હાજરી આપી હતી. એ દરમ્યાન આ કપલે ઇન્ફોસિસના શરૂઆતના દિવસો તેમ જ તેમનાં લગ્ન સમયની વાતો વિશે મુક્ત મને વાતો કરી હતી. આ વાતોમાં કેટલીક રસપ્રદ વાતો કહેતાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે અમારાં લગ્ન માત્ર ૮૦૦ રૂપિયામાં થયાં હતાં અને અમને બન્નેને ૪૦૦-૪૦૦ રૂપિયા મળ્યા હતા. સુધા અને નારાયણ મૂર્તિની પહેલી મુલાકાતને ૫૦ વર્ષ થયાં છે અને તેમનાં લગ્નને ૪૬ વર્ષ થયાં છે. હાલમાં રાજ્યસભાનાં સભ્ય તરીકે નૉમિનેટ થયેલાં સુધા મૂર્તિએ નારાયણ મૂર્તિ સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાત કરતાં કહ્યું હતું કે ‘અમે પુણેના એક જૂસ કૉર્નર પર મળ્યાં હતાં. નારાયણ એ સમયે ફ્રાન્સથી પાછા ફર્યા હતા. અમે મળતાં ત્યારે તેઓ મારા માટે પેલું ‘અભી ના જાઓ...’ ગીત ગાતા હતા.’ એ કયું ગીત હતું? એની વાત નીકળતાં પ્રોગ્રામ દરમ્યાન આ કપલે એકબીજા માટે સૉન્ગ પણ ગાયું હતું. સુધા મૂર્તિએ પતિ માટે ‘કોરા કાગઝ થા યે મન મેરા, લિખ દિયા નામ ઇસ પે તેરા...’ ગાયું હતું, જ્યારે નારાયણ મૂર્તિએ પત્ની માટે ગાયું હતું, ‘અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં...’