30 January, 2023 12:56 PM IST | Itanagar | Gujarati Mid-day Correspondent
આ કાશ્મીર કે સ્વિટ્ઝરલૅન્ડ નહીં, અરુણાચલ પ્રદેશ છે
જાહેર ક્ષેત્રની કેટલીક વ્યક્તિઓ એક અલગ જ પ્રકારનું આકર્ષણ ધરાવતી હોય છે, લોકો આપોઆપ જ તેમની વાતોમાં તણાઈ જતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે નાગાલૅન્ડના પ્રધાન તેમ્જેન ઇમના. ટ્વિટર પર તેમના અસંખ્ય ફૉલોઅર્સ છે. તેમની પોસ્ટ ઘણી વાર મનોરંજક, શૈક્ષણિક અને આંખ ખોલનારી હોય છે.
હાલમાં ટ્વિટર પર મૂકેલી તેમની એક પોસ્ટમાં તેમણે અરુણાચલ પ્રદેશના દિબાંગ વૅલી જિલ્લાના મુખ્ય મથક અમીનીના કેટલાક ફોટો મૂક્યા છે. આ સ્થળોને કાશ્મીર અને સ્વિટ્ઝરલૅન્ડ સાથે સરખાવતાં તેમણે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનને પ્રશ્ન કર્યો છે કે આ ફોટાે કાશ્મીર કે સ્વિટ્ઝરલૅન્ડના નથી, પરંતુ હાલમાં પૂર્ણ થયેલા અમીનીના ચિગુ રિસૉર્ટના છે. તમે મને તમારા રાજ્યનાં આવાં રમણીય સ્થળોની મુલાકાત માટે ક્યારે આમંત્રણ આપો છો?
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ સત્વર તેમના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે ‘અમારા રાજ્યના આ રમણીય સ્થળે આપનું સ્વાગત છે. સુંદર ‘ઊગતા સૂર્યની ભૂમિ’ પર તમારું હંમેશાં સ્વાગત છે. પર્વતો અને ખીણો તમને એમની સુંદરતાથી મોહિત કરશે. ચિગુ રિસૉર્ટમાં બરફથી ઢંકાયેલા પર્વતો અને પાઇન વૃક્ષો સાથે સુંદર પૃષ્ઠભૂમિ છે. અરુણાચલ તમારા આગમનની રાહ જુએ છે! ચોક્કસ આવજો.’