જેનઝીએ સપ્તાહના ૭૦ કલાક કામ કરવાની જરૂર નથી : નાદિર ગોદરેજ

13 February, 2024 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાદિર ગોદરેજ હજી પણ વર્ક ફ્રૉમ હોમ કલ્ચરની ફેવર કરતાં કહે છે, ‘જો તમે પ્રોડક્ટિવિટીને માપી શકો તો લોકો ઑફિસ આવીને કામ કરે એવો આગ્રહ રાખવાનું કોઈ કારણ નથી.

નાદિર ગોદરેજ

ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ ભારતના લોકોને સપ્તાહના ૭૦ કલાક કામ કરવાની સલાહ આપ્યા બાદ ઘણો વિવાદ થયો હતો. હવે આ ચર્ચામાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એમડી નાદિર ગોદરેજ પણ સામેલ થયા છે. નાદિરનો ઓપિનિયન કંઈક અલગ જ છે. ન તો તેઓ ફરજિયાત વર્ક ફ્રૉમ ઑફિસ મૉડલ્સમાં માને છે અને ન તો તેઓ ૭૦ કલાકના કામના અઠવાડિયાની હિમાયત કરે છે. હકીકતમાં તેઓ ઇચ્છે છે કે કર્મચારીઓ માત્ર કામ કરતાં ઘણું વધારે કરે. નાદિરે કહ્યું કે મને નથી લાગતું કે આજના યંગસ્ટરોએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવું જોઈએ. એને બદલે કંપનીઓએ કર્મચારીઓનું વર્ક આઉટપુટ ધ્યાનમાં રાખવું જોઈએ. કર્મચારીઓએ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂર છે.’

નાદિર ગોદરેજ હજી પણ વર્ક ફ્રૉમ હોમ કલ્ચરની ફેવર કરતાં કહે છે, ‘જો તમે પ્રોડક્ટિવિટીને માપી શકો તો લોકો ઑફિસ આવીને કામ કરે એવો આગ્રહ રાખવાનું કોઈ કારણ નથી. છતાં કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનો અર્થ એ છે કે કર્મચારીઓ વર્કપ્લેસથી અળગા પડી જશે એટલે મારું માનવું છે કે ફ્લેક્સિબલ વર્કિંગ બહેતર છે જેમાં લોકો અઠવાડિયામાં થોડા દિવસ ઑફિસમાંથી પણ કામ કરે.’

પ્રોડક્ટિવિટી હવે જુદા-જુદા દેશોમાં અલગ રીતે માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જર્મનીએ ૬ મહિનાના સમયગાળા માટે ૪ દિવસના વર્કવીકની અજમાઈશ શરૂ કરી છે. તેમનો આ પ્રયાસ કર્મચારીઓને ઓછા પ્રેશર અને વધુ પ્રોડક્ટિવ બનવા માટે સક્ષમ બનાવવાનો છે. નાદિર સમજાવે છે કે આ બધું વર્ક લાઇફનું સારું બૅલૅન્સ જાળવવા માટે છે. જેમની પાસે કામ સિવાયના શોખને અનુસરવાનો સમય હોય એ કર્મચારી ખુશ રહે છે.’

offbeat videos offbeat news