દેશમાં પહેલી વાર મુંબઈમાં પેટ્સ માટે CT અને MRI સ્કૅન

04 April, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રતન તાતાની હૉસ્પિટલમાં આ સુવિધા વિશે જાણીને સોશ્યલ મીડિયા પર અનેક ઍનિમલ-લવર્સે આનંદ વ્યક્ત કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

તાતા ગ્રુપના ચૅરમૅન રતન તાતાના સપોર્ટથી પેટ્સ માટે મહાલક્ષ્મીમાં મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ બની રહી છે. મહાલક્ષ્મીમાં ટૂંક સમયમાં ઍનિમલ હૉસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. આ હૉસ્પિટલ પ્રાણીઓની સારવાર માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. અહીંની ખાસ વાત એ છે કે દેશમાં પહેલી વાર અહીં પેટ્સ માટે કૉમ્પ્યુટેડ ટૉમોગ્રાફી (CT) સ્કૅન અને મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) જેવી સુવિધા શરૂ થશે. ૯૮,૦૦૦ સ્ક્વેર ફુટમાં તૈયાર થઈ રહેલી આ હૉસ્પિટલ પાંચ માળની હશે તથા એમાં ૨૦૦થી વધુ બેડ હશે. મંગળવારે હૉસ્પિટલમાં ટ્રાયલ માટે આ CT સ્કૅન મશીનની ટ્રાયલ કરવામાં આવી. એ ટ્રાયલ રતન તાતાના ‘ગોવા’ નામના ફેવરિટ ડૉગ પર થઈ હતી. ગોવાને બહુ ગંભીર બીમારી નહોતી, પણ શું છે એનું નિદાન કરવામાં તકલીફ પડી રહી હતી. અત્યાર સુધી માણસો માટેના CT સ્કૅન અને MRIનો જ પેટ્સ માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ બહુ ઓછાં ડાયગ્નોસ્ટિક સેન્ટરો પેટ-ફ્રેન્ડ્લી હોય છે અને ત્યાં પ્રાણીઓના નિષ્ણાતો પણ નથી હોતા એટલે તકલીફ પડે છે. રતન તાતાની હૉસ્પિટલમાં આ સુવિધા વિશે જાણીને સોશ્યલ મીડિયા પર અનેક ઍનિમલ-લવર્સે આનંદ વ્યક્ત કર્યો હતો.

offbeat videos offbeat news wildlife mumbai news