21 November, 2023 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યન કટારિયા અને સાર્થક સચદેવ નામના આ બે યુવાનોએ ટ્રેનના કોચમાં ફાઇવસ્ટાર હોટેલ ખોલી
સોશ્યલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર લોકપ્રિયતા મેળવવા માટે જાતજાતનાં ગતકડાં કરતા રહે છે. હાલમાં મુંબઈના બે યુવાનોએ મુંબઈની લોકલ ટ્રેનમાં એક ફાઇવસ્ટાર હોટેલ ખોલવાનો નવો સ્ટન્ટ કરીને લોકોને અચંબિત કરી દીધા હતા. આર્યન કટારિયા અને સાર્થક સચદેવ નામના આ બે યુવાનોએ ટ્રેનના કોચમાં ફાઇવસ્ટાર હોટેલ ખોલવાની જાહેરાત કરી અને એનું મેનુ પણ બનાવ્યું. ત્યાર બાદ એ મેનુ તેમણે પ્લૅટફૉર્મ પર બેઠેલા પૅસેન્જર્સને બતાવ્યું. છેવટે આ યુવાનોએ ટ્રેનની અંદર રીતસરની ફાઇવસ્ટાર હોટેલ શરૂ કરી. તેમણે કોચમાં કામચલાઉ ટેબલ ગોઠવ્યાં અને પછી કોચમાં બેઠેલા ગ્રાહકોને પોતાની વાનગી પીરસી. એ જોઈને ઘણા લોકોને હસવું આવતું હતું, તો ઘણા લોકો એનાથી પ્રભાવિત થતા હતા. યુવાનોએ જલેબી જેવી કોઈ વિશેષ વાનગી અને મૅગી સર્વ કરી.
એ જોઈને ઘણા લોકોને મોજ પડી ગઈ અને લોકો તેમની પ્રશંસા કરવા માંડ્યા હતા. આ આખી ઘટનાનો વિડિયો યુવાનોએ બનાવ્યો છે. પાંચ-છ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલો આ વિડિયો એકદમ હિટ થઈ ગયો છે અને એને ૧૦ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યાં છે.
હવે જોઈએ કે આ ટૅલન્ટેડ યુવાનો નવું કયું ગતકડું કરે છે.