ફ્રાન્સના કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં મુંબઈની આસ્થા શાહ સફેદ ડાઘ સાથે વિના સંકોચ રેડ કાર્પેટ પર આવી

22 May, 2024 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સફેદ ડાઘ આખા શરીર પર પ્રસરવા માંડ્યા એ પછી આસ્થાએ દવા લેવાનું બંધ કરી દીધું હતું

કન્ટેન્ટ-ક્રીએટર આસ્થા શાહ

ફ્રાન્સના વિશ્વવિખ્યાત કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં મુંબઈની કન્ટેન્ટ-ક્રીએટર આસ્થા શાહ પહેલી વાર રેડ કાર્પેટ પર ચાલી. આસ્થા શાહને વિટિલિગો નામનો ત્વચારોગ છે અને તે પહેલી વિટિલિગો-પીડિત ભારતીય છે જેણે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હોય. વિટિલિગોનો ડિક્શનરી પ્રમાણે અર્થ પાંડુરોગ થાય છે અને આ રોગને સફેદ ડાઘ તરીકે પણ ઓળખાય છે. આ એક ચામડીનો વિકાર છે જેમાં ત્વચાનો રંગ સફેદ થવા લાગે છે અને એનો કોઈ ઇલાજ નથી. ૧૦ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી આસ્થા સોશ્યલ મીડિયા પર વિટિલિગો વિશે જાગૃતિ ફેલાવે છે. 
કાનમાં રેડ કાર્પેટ પર પોતાની ત્વચા પરના ડાઘ બેધડક દેખાડનાર આસ્થાએ કહ્યું, ‘મારી આ અવસ્થાને કારણે વર્ષો સુધી મારે બ્યુટીફુલ હોવાની ફીલિંગ સાથે સંઘર્ષ કરવો પડ્યો છે. હું રેડ કાર્પેટ પર વિટિલિગો હોવા છતાં નહીં પણ વિટિલિગોને કારણે ચાલી છું. મારે જગતને એ દેખાડવું છે કે સુંદરતા તમામ શેડ‍્સ અને પૅટર્ન્સમાં હોય છે.’

આસ્થાએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું નાની હતી ત્યારથી સફેદ ડાઘ સાથે જીવી છું. શરૂઆતમાં મને થોડાક ડાઘ હતા અને હું દવા લેતી હતી. મારા પેરન્ટ‍્સે મારી આ અવસ્થા વિશે મને હંમેશાં કમ્ફર્ટેબલ મહેસૂસ કરાવ્યું હતું એટલે મને એનો અહેસાસ નહોતો. જોકે સમાજના લોકોએ મને એ અહેસાસ કરાવ્યો હતો કે મારામાં કંઈક ખામી છે.’

સફેદ ડાઘ આખા શરીર પર પ્રસરવા માંડ્યા એ પછી આસ્થાએ દવા લેવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તે ઇચ્છતી હતી કે હું જેવી છું એવી જ પોતાને સ્વીકારું અને મારી આસપાસના લોકોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરું.

offbeat news cannes film festival mumbai mumbai news