18 June, 2020 07:25 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
અસલમ બાબા
મધ્ય પ્રદેશના રતલામમાં લોકોના હાથ ચૂમીને કોરોના મટાડતા અસલમ બાબા પોતે કોવિડ-19 ઇન્ફેક્શનથી મૃત્યુ પામ્યા હતા. દ્રદીઓના હાથ ચૂમીને તેમને કોરોના- ઇન્ફેક્શનથી મુક્તિ અપાવવાનો દાવો કરતા બાબા અસલમને એ જ બીમારી થઈ હોવાનો રિપોર્ટ ત્રીજી જૂને મળ્યો અને ચોથી જૂને તેમનો ઇન્તકાલ થયો હતો.
બાબા હાથ ચૂમીને બીમારી નાબૂદ કરવાને બદલે વધારે ફેલાવતા હતા. અસલમ બાબાના ઇન્તકાલના સમાચાર જાણીને તેમના અનુયાયીઓ ભેગા થવા માંડ્યા હતા. બીજી બાજુ બાબાના પૉઝિટિવ રિપોર્ટથી સતર્ક થયેલા સરકારી સત્તાવાળાઓએ બાબાના સંપર્કમાં આવેલા લોકોનું ચેકઅપ અને ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. બાબાના આશીર્વાદથી ચેપી મહારોગથી મુક્તિ મેળવવા ગયેલા લોકો અને તેમનાં સગાંને તપાસતાં ૪૦માંથી ૨૦ જણના રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા. એ વીસ જણમાં બાબાના પરિવારના ૭ જણનો સમાવેશ છે. રતલામ શહેરમાં ૯ જૂને નોંધાયેલા ૨૪ કન્ફર્મ્ડ કેસિસમાંથી ૧૩ જણ અસલમ બાબાના નિકટના સંપર્કમાં આવ્યા હતા.
આખા ભારતમાં ચમત્કારથી કોરોના-ઇન્ફેક્શન મટાડવાનો દાવો કરનારા ૨૯ બાબાઓ પોલીસને ચોપડે નોંધાયા છે. આ બાબાઓ ઊલટું ઇન્ફેક્શન વધારે ફેલાવવાના સાધન બન્યા છે. કેટલાક બાબાઓ પાણીમાં ફૂંક મારીને ‘મંત્રેલું જળ’ પીવડાવીને કોરોના-ઇન્ફેક્શન મટાડવાના દાવા કરતા હતા. જોકે ફૂંક મારવાની ક્રિયા વિષાણુના પ્રસાર માટે પ્રોત્સાહક હોવાથી એ વિસ્તારમાં દ્રદીઓ વધતા હતા. કોરોના-ઇન્ફેક્શનથી મુક્તિ અપાવવાનો દાવો કરનારા અસલમ જેવા બાબાઓ ફક્ત ભારતમાં નથી, નાઇજીરિયાના એક ચર્ચના પાદરીએ ચીન જઈને કોરોના વાઇરસને ખતમ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ એ ચતુર પાદરી ખરેખર ચીનના પ્રવાસે ગયા નહોતા.