સંભાળ રાખનાર વ્યક્તિના મૃત્યુથી રુદન કરતો વાંદરો

16 October, 2023 10:32 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

પરિવારે અંતિમ સંસ્કારની તૈયારી કરી ત્યારે વાંદરો મરનાર વ્યક્તિના મૃતદેહની બાજુમાં બેસી ગયો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

માણસ-માણસ વચ્ચેના પ્રેમ અને મિત્રતાની વાર્તા તો ઘણી સાંભળી હશે, પણ ચાલો આજે વાત કરીએ એક વાંદરા અને એની સંભાળ રાખનાર વ્યક્તિ સાથેના અદ્ભુત સંબંધની, જેનો અંત પણ ખૂબ સંવેદનશીલ હતો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં એક વાંદરો એને ખવડાવતા અને સારસંભાળ રાખતા માણસના મૃત્યુ પર એક માણસની જેમ જ દુ:ખ વ્યક્ત કરતો જોવા મળે છે.

પરિવારે અંતિમ સંસ્કારની તૈયારી કરી ત્યારે વાંદરો મરનાર વ્યક્તિના મૃતદેહની બાજુમાં બેસી ગયો હતો. કૅરટેકરના મોતથી ભાંગી પડેલો વાંદરો અંતિમ સંસ્કારના સ્થળ સુધી પ્રવાસમાં સાથે જ રહ્યો.

રામકુંવર સિંહ અને વાંદરા વચ્ચેના હૃદયસ્પર્શી સંબંધોની શરૂઆત ત્યારે થઈ જ્યારે રામકુંવરે નિયમિત બે મહિના સુધી વાંદરાને રોટલો ખવડાવ્યો હતો. બન્ને એકબીજા સાથે આનંદની ક્ષણ માણતા, રમતા અને દરરોજ એકબીજા સાથે સમય વિતાવતા. જોકે ૧૦ ઑક્ટોબરે જ્યારે વાંદરો હંમેશની જેમ ત્યાં પહોંચ્યો ત્યારે એણે જોયું કે રામકુંવરનું અવસાન થયું છે, જેનાથી વાંદરો ભારે  દુઃખી થઈ ગયો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વાંદરો ભારે મનથી રડ્યો અને પ્રિય વ્યક્તિ ગુમાવવાનો શોક વ્યક્ત કર્યો હતો. આ હૃદયસ્પર્શી દૃશ્ય જોઈ લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા, જે વાંદરાની સંભાળ રાખનાર પ્રત્યેના સ્નેહ અને વફાદારી દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે રામકુંવર સિંહના અંતિમ સંસ્કારની ઘરથી ઘાટ સુધી તમામ ધાર્મિક વિધિમાં હાજરી આપવા વાંદરાએ ૪૦ કિલોમીટરની મુસાફરી કરી હતી. એનો આ પ્રવાસ મજબૂત બંધન અને લાગણીઓની ઊંડાઈ દર્શાવે છે કે જે માણસ દયા બતાવે તેને માટે વાંદરો પણ સંવેદના રાખે છે.

national news offbeat news viral videos social media social networking site