12 March, 2023 09:07 AM IST | Argentina | Gujarati Mid-day Correspondent
મમ્મીએ જોડિયાં બાળકોને ઓળખવા માટે ફિંગરપ્રિન્ટનો આશરો લીધો
આઇડેન્ટિકલ ટ્વિન્સના પેરન્ટ્સ માટે સૌથી મુશ્કેલ કામ હોય છે તેમનાં બે બાળકોને ઓળખવાં. સમાન દેખાવને કારણે તેમને ઓળખવા માટે મહેનત કરવી પડે છે એ તો આવાં બાળકોના પેરન્ટ્સ જ જાણતા હોય છે.
આર્જેન્ટિનાની સોફી રૉડ્રિગ્ઝે તેનાં એકસરખાં દેખાતાં બાળકોની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છતાં સફળતા ન મળતાં તેણે પોલીસની મદદ માગી હતી. તેણે ટ્વિન્સની ફિંગરપ્રિન્ટ રેકૉર્ડ કરાવી હતી, જેથી ફિંગરપ્રિન્ટના આધારે સહેલાઈથી આ ટ્વિન્સની ઓળખ કરી શકાય.
પોતાની સમસ્યા તેણે ટ્વિટર પર શૅર કરતાં લોકોએ તેને ‘મધર ઑફ ધ યર’નો અવૉર્ડ આપ્યો હતો. સોફીની ટ્વીટને ૧.૫૨ કરોડ વ્યુઝ મળ્યા હતા તથા કમેન્ટ-સેક્શનમાં અનેક પેરન્ટ્સે તેમની સમાન સમસ્યાઓનો ઉલ્લેખ કરી કઈ રીતે ઓળખ સ્થાપિત કરી એની હકીકત જણાવી હતી.
સોફીએ જણાવ્યું કે પોલીસ પણ તેમની ઓળખ સ્થાપિત કરવામાં મૂંઝાઈ જતાં તેમણે બન્ને બાળકોને વૅક્સિનેટ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ ડૉક્ટરે ભૂલથી એક જ બાળકને બે વખત વૅક્સિન આપી દીધી હતી. અંતે નૅશનલ પર્સન્સ રજિસ્ટરીમાં તેને બોલાવીને બાળકોની ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરી હતી.