18 August, 2024 12:22 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
સફાઈ-કર્મચારી સંતોષ કુમાર જાયસવાલ
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક સફાઈ-કર્મચારી કરોડપતિ હોવાનું બહાર આવતાં ચકચાર મચી છે. તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ ઉપરાંત આલીશાન ઘર અને નવ કાર છે. આ કેસમાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે. સફાઈ-કર્મચારી સંતોષ કુમાર જાયસવાલને નિયમો નેવે મૂકીને ગોંડા નગર પાલિકા પરિષદમાં કમિશનરની ઑફિસમાં સ્કૂલમાં મૉનિટર હોય છે એવા પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આ પદે રહેતાં તેણે સરકારી ફાઇલોમાં હેરાફેરી કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા હતા. આ પહેલાં તે નગર કોટવાલી વિસ્તારમાં સફાઈ-કર્મચારી તરીકે તહેનાત હતો. સંતોષ કુમારે જે કરોડો રૂપિયાની સંપત્તિ મેળવી છે એની તપાસ ચાલી રહી છે. સંતોષ કુમાર પાસેથી નવ કાર મળી આવી છે, જેમાં સ્વિફ્ટ ડિઝાયર, અર્ટિગા, મહિન્દ્ર સ્કૉર્પિયો અને ઝાયલો તથા ટૉયોટા ઇનોવા વગેરેનો સમાવેશ છે. આ કાર તેના ઉપરાંત ભાઈ ઉમાશંકર જાયસવાલ અને પત્ની બેબી જાયસવાલના નામે ખરીદાયેલી છે.