ઇન્કમ ટૅક્સ વિભાગે મજૂરને બે કરોડની નોટિસ મોકલી

28 September, 2024 03:26 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

વર્માએ ૨૦૧૫ની બાવીસમી જાન્યુઆરીએ બે લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવી હતી, પણ મૅચ્યોર થાય એ પહેલાં જ કોઈ કામ આવી પડ્યું એટલે ૨૦૧૬ની ૧૬ ઑગસ્ટે FD તોડાવવી પડી હતી.

રાજીવ કુમાર વર્મા

બિહારના ગયામાં ઇન્કમ ટૅક્સ વિભાગે ગજબનું કામ કરી નાખ્યું છે. રાજીવ કુમાર વર્મા નામના દહાડિયા મજૂરને વિભાગે ૨,૦૦,૩૩૦૮ રૂપિયાની નોટિસ ફટકારી દીધી છે. નવા ગોદામ મહોલ્લામાં રહેતા વર્મા ગોડાઉનમાં મજૂરી કરે છે. વર્માએ ૨૦૧૫ની બાવીસમી જાન્યુઆરીએ બે લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવી હતી, પણ મૅચ્યોર થાય એ પહેલાં જ કોઈ કામ આવી પડ્યું એટલે ૨૦૧૬ની ૧૬ ઑગસ્ટે FD તોડાવવી પડી હતી. એ પછી એકાએક રાજીવ વર્માને બે કરોડની ટૅક્સની નોટિસ મળી. નોટિસમાં એવું લખ્યું છે કે તમે ૨૦૧૫-’૧૬માં બે કરોડની FD કરાવી હતી અને હજી સુધી એનું રિટર્ન ફાઇલ કર્યું નથી અને આવકવેરા વિભાગમાં ટૅક્સ પણ ભર્યો નથી. ઇન્કમ ટૅક્સનું રિટર્ન ભરવાનું હોય એની પણ રાજીવ કુમારને નોટિસ મળી ત્યારે ખબર પડી હતી. તેણે કહ્યું કે મહિને ૧૨,૦૦૦ રૂપિયા મળતા હોય એમાં શું રિટર્ન ફાઇલ કરું. નોટિસ મળી છે ત્યારથી વર્મા ચિંતામાં પડી ગયો છે અને ૪ દિવસથી મજૂરી કરવા પણ નથી ગયો.

offbeat news income tax department bihar national news bhopal