20 November, 2023 10:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કોરોના બાદ ઘર કે ઑફિસ વચ્ચે બહુ મોટો તફાવત રહ્યો નથી. કોઈ ને કોઈ કારણસર ઘરેથી કામ કરવું પડે એવી સ્થિતિ આવી પડે છે. આવા સંજોગોમાં જો વિડિયો-કૉલ્સ પર મીટિંગ કરવાની હોય ત્યારે બહુ મોટી સમસ્યા સર્જાય છે, કારણ કે મોટા ભાગના લોકોના ઘરમાં વિડિયો-કૉલ દરમ્યાન બૅકગ્રાઉન્ડ બહુ અવ્યવસ્થિત હોય છે. જોકે માઇક્રોસૉફ્ટ દ્વારા લૉન્ચ કરવામાં આવેલા નવા ટૂલ્સને કારણે આ સમસ્યા ભૂતકાળની વાત બની જશે. માઇક્રોસૉફ્ટ દ્વારા આ ટૂલ્સને ‘ડેકોરેટ યૉર બૅકગ્રાઉન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઉપયોગ દ્વારા વિડિયો-કૉલ થકી તમારા ઘરના વિડિયોમાં દેખાતા બૅકગ્રાઉન્ડને બદલે છે. તેઓ માત્ર તમામ બૅકગ્રાઉન્ડને વ્યવસ્થિત કરે છે, એટલું જ નહીં, તમે ઇચ્છો એ પ્રમાણે ક્રિસમસ ટ્રી કે અન્ય લાઇટિંગ પણ કરી શકો છો. માઇક્રોસૉફ્ટ દ્વારા આ સપ્તાહે આ ઘોષણા કરી હતી, જેમાં જણાવ્યા પ્રમાણે તમે જ્યાં પણ હો, તમારા બૅકગ્રાઉન્ડને પ્રભાવશાળી બનાવો. યુઝર્સને બૅકગ્રાઉન્ડ પસંદ કરવા માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે; જેમાં ક્લીનઅપ, ફૅન્સી અથવા સેલિબ્રેશનનો સમાવેશ છે. ક્લીનઅપમાં તમારું વાસ્તવિક ઘર હોય એવું જ બૅકગ્રાઉન્ડ હોય છે, પણ ખરાબ દેખાતી વસ્તુઓને હટાવવામાં આવે છે. ફૅન્સીમાં બધું ચમકદમક હોય છે. તમારા ઘરમાં શૅમ્પેનની બૉટલ પણ દેખાડાય છે, તો સેલિબ્રેશનમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. ૨૦૨૪માં એને પ્રીમિયમ યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવશે. વિડિયો-કૉલ્સ તમારી પહેલી ઇમ્પ્રેશન બનાવે છે.