11 May, 2023 01:22 PM IST | Mexico City | Gujarati Mid-day Correspondent
બ્લૉગરે લિપગ્લોસમાં ચિલી ફ્લૅક્સ મિક્સ કર્યા
બ્યુટી કે સ્કિન-કૅર હૅક્સની વાત આવે ત્યારે ઇન્ટરનેટ પર આના વિશે અસંખ્ય માહિતી મળી શકે છે. બ્યુટી બ્લૉગર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા પ્રમોટ કરાયેલા કેટલાક નુસખા ખરેખર ઉપયોગી પણ હોય છે. જોકે અમુક નુસખા વિચિત્ર અને નુકસાનકારક પણ હોય છે. તાજેતરમાં આવો જ એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક બ્લૉગરે તેના લિપગ્લોસમાં ચિલી ફ્લૅક્સ મિક્સ કરી એને હોઠ પર લગાવ્યું છે. થોડા સમય પછી તેણે તેના હોઠ પરથી લિપગ્લોસ લૂછી કાઢી એનું પરિણામ દર્શાવ્યું છે.
વિડિયોમાં જાહનવી સિંહ મેકઅપ પ્લેટમાં થોડો લિપગ્લોસ કાઢી એમાં ચિલી ફ્લૅક્સ મિક્સ કરે છે અને એને પોતાના હોઠ પર લગાવે છે. થોડા સમય પછી તે હોઠ લૂછી નાખે છે. વિડિયોની કૅપ્શનમાં તેણે હોઠ પર ચિલી ફ્લૅક્સ લગાવવા બદલ દિલગીરી વ્યક્ત કરી આ અખતરો ન કરવાની સલાહ આપી છે. ચિલી ફ્લૅક્સને કારણે તેના હોઠ પર સોજો આવેલો પણ જોઈ શકાય છે.
નેટિઝન્સે આ અખતરા પર અનેક ટિપ્પણી કરી છે તો વળી કેટલાકે આવા અખતરા કરવાની શી જરૂર હતી એવો પ્રશ્ન પણ કર્યો છે.