03 December, 2024 03:18 PM IST | London | Gujarati Mid-day Correspondent
ક્રિશ અરોરા
આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હૉકિંગના ઇન્ટેલિજન્ટ ક્વૉશન્ટ (IQ) ૧૬૦ આસપાસ હોવાનું કહેવાય છે. આ બન્ને હસ્તીઓની ઓળખ આપવાની જરૂર નથી, પણ ૧૦ વર્ષના ક્રિશ અરોરાની ઓળખ આપવી પડે એમ છે. કારણ કે આ ટાબરિયાનો IQ આ બન્ને ખેરખાં કરતાં પણ વધુ એટલે કે ૧૬૨ છે. લંડનમાં રહેતા ભારતીય-બ્રિટિશ ક્રિશની નાની ઉંમરમાં જ અસાધારણ ક્ષમતાઓ દેખાવા માંડી હતી. તે ૪ વર્ષની ઉંમરથી જ કડકડાટ વાંચી શકતો હતો, આંખના પલકારામાં ગણિતના જટિલ કોયડા ઉકેલી શકતો હતો. એન્જિનિયર માતા-પિતા મૌલી અને નિશ્ચલે ગર્વભેર કહ્યું કે ક્રિશ માત્ર ચેસ અને ગણિતના કોયડા ઉકેલવામાં જ પાવરધો નથી, તે જેમાં ધ્યાન કેન્દ્રિત કરે એમાં સારું પરિણામ આવે છે. માત્ર ૪ મહિના ચેસ રમ્યો હોવા છતાં તેણે પોતાના ગુરુને હરાવ્યા હતા. ચેસ સિવાય ક્રિશ પિયાનો પણ સારું વગાડી જાણે છે. તે સ્કૂલમાં પણ પોતાના ક્લાસમેટને ગણિત સહિતના વિષયો સમજાવવા માંડ્યો છે. આ બધી કુશળતાની સાથે-સાથે ક્રિશ સંગીતકાર પણ છે. પિયાનોમાં તેણે મહારત હાંસલ કરી છે.