ફિલિપીન્સનાં ૧૦૭ વર્ષનાં આ માજી છે વિશ્વનાં સૌથી વૃદ્ધ ટૅટૂ-આર્ટિસ્ટ

05 June, 2024 03:57 PM IST  |  Manila | Gujarati Mid-day Correspondent

૨૫ વર્ષની વયે વિધવા થઈ ગયેલાં વાંગ-ઑડ પહેલાં એવું માનતાં હતાં કે વંશની બહાર કોઈ વ્યક્તિ ટૅટૂ બનાવવાનું શરૂ કરે તો તે ચેપગ્રસ્ત થઈ જાય છે.

એપો વાંગ-ઑડ

ટૅટૂ-આર્ટિસ્ટ શબ્દ સાંભળતાં જ લોકોને અલ્ટ્રા-મૉડર્ન દેખાવ ધરાવતો યુવાન દેખાય જેના શરીર પર ઘણાં બધાં ટૅટૂ ચિતરાવેલાં હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલિપીન્સનાં એક માજી વિશ્વનાં સૌથી વૃદ્ધ ટૅટૂ-આર્ટિસ્ટ છે. ૧૯૧૭માં જન્મેલાં એપો વાંગ-ઑડ ૧૫ વર્ષની ઉંમરથી જ ટૅટૂ-આર્ટને સમર્પિત છે. તેઓ સૌથી છેલ્લા પરંપરાગત કલિંગા ટૅટૂ-આર્ટિસ્ટ છે જેને મામ્બાટોક તરીકે ઓળખવામાં આવે છે. ૧૦૭ વર્ષનાં વાંગ-ઑડ કોઈ શહેરમાં નહીં, પણ બુસ્કલન નામના દૂરના ગામડામાં રહે છે અને દુનિયાભરના લોકો તેમની પાસે ટૅટૂ કરાવવા આવે છે.

વાંગ-ઑડ ટ્રેડિશનલ સ્વદેશી ફિલિપીનો ટૅટૂ ‘બાટોક’માં નિષ્ણાત છે. વાંગ-ઑડે બાટોકને અત્યંત લોકપ્રિય બનાવી નાખ્યું છે અને એકલા હાથે આ કલાને જીવંત રાખી છે. ૨૫ વર્ષની વયે વિધવા થઈ ગયેલાં વાંગ-ઑડ પહેલાં એવું માનતાં હતાં કે વંશની બહાર કોઈ વ્યક્તિ ટૅટૂ બનાવવાનું શરૂ કરે તો તે ચેપગ્રસ્ત થઈ જાય છે. જોકે હવે તેઓ પોતાના સમુદાયમાં લોકોને ટૅટૂ-કલામાં તાલીમ આપી રહ્યાં છે.

philippines offbeat news international news manila