30 July, 2024 02:34 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પત્નીનો બૉયફ્રેન્ડ પણ ઘરમાં સાથે રહે એ વાતે જૅપનીઝ પતિદેવને કોઈ વાંધો નથી
પ્રિન્સ સોય નામનો જૅપનીઝ શેફ અને બ્લૉગર સોશ્યલ મીડિયા પર ઍડિટિવ્સ ફ્રી પ્રોડક્ટ્સ પ્રમોટ કરવા માટે જાણીતો છે. જોકે આજકાલ ભાઈસાહેબ અલગ કારણસર ચર્ચામાં છે. વાત એમ છે કે પ્રિન્સે જુલાઈ મહિનાના ફર્સ્ટ વીકમાં સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર અનાઉન્સ કર્યું હતું કે ‘મારી વાઇફ સીએરા ૬ મહિના વિદેશ ભણ્યા પછી પાછી આવી રહી છે અને તેની સાથે તેનો નવો બૉયફ્રેન્ડ પણ આવી રહ્યો છે અને તે અમારી સાથે રહેશે.’ આ પોસ્ટ એટલી વાઇરલ થઈ કે ન પૂછો વાત. પતિ જાહેરાત કરે છે કે પત્ની તેના નવા બૉયફ્રેન્ડ સાથે આવે છે અને તેમના જ ઘરમાં રહેશે! લોકોને આ વાત ગળે ઊતરી નહોતી એટલે સોશ્યલ મીડિયા પાર તેને ટ્રોલ કરવામાં આવ્યો. જોકે એ પછી પણ પ્રિન્સભાઈ અટક્યા નહીં. ઊલટાનું એ સમય દરમ્યાન પ્રિન્સભાઈએ પત્ની આવી એ પછી તેના બૉયફ્રેન્ડ સાથે કરેલાં આઉટિંગ્સ અને બહાર ફરવાની શૉર્ટ ક્લિપ્સ અને તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી એ પછી વિવાદને વધુ હવા મળી. પ્રિન્સની પત્ની સીએરા ઑસ્ટ્રેલિયા ભણવા ગયેલી. ૬ મહિના દરમ્યાન ત્યાં તેને એક બીજો જૅપનીઝ છોકરો મળ્યો. તે તેને ગમવા લાગ્યો. આ વાત તેણે પોતાના પતિને કરી. પ્રિન્સ અને સીએરાએ પહેલેથી જ ઓપન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હતું એટલે પ્રિન્સને પણ આ બાબતે કોઈ વાંધો નહોતો. ઊલટાનું પત્ની અને તેનો બૉયફ્રેન્ડ એક વાર ઝઘડી પડ્યાં તો એનું પૅચઅપ પણ તેણે કરાવી આપ્યું. પ્રિન્સનું કહેવું છે કે ‘વિદેશમાં મારી પત્નીને સપોર્ટ કરવા બદલ હું તેનો (બૉયફ્રેન્ડનો) પૂરા દિલથી આભાર માનું છું.’