આ ભાઈ ૨૪,૨૬૮ વિડિયો ગેમ્સનો વિશાળ સંગ્રહ ધરાવે છે

16 December, 2022 12:10 PM IST  |  Austin | Gujarati Mid-day Correspondent

વિડિયો ગેમ્સનું કલેક્શનની કુલ કિંમત ૨૧ લાખ ડૉલર (લગભગ ૧૭.૩૮ કરોડ રૂપિયા) જેટલી થાય છે. 

વિડિયો ગેમના શોખીન ૪૫ વર્ષના ઍન્ટોનિયો રોમેરો મોન્ટેરો

અમેરિકાના ટેક્સસમાં રહેતા વિડિયો ગેમના શોખીન ૪૫ વર્ષના ઍન્ટોનિયો રોમેરો મોન્ટેરો પાસે અધધધ ૨૪,૨૬૮ વિડિયો ગેમ્સ છે. ૨૦૨૧ની ૧૯ ડિસેમ્બરે તેમના નામે અનેક રેકૉર્ડ નોંધાયા હતાં; જેમાં એક્સબૉક્સ વસ્તુઓના, સેગા વસ્તુઓના, નિન્ટેન્ડો વસ્તુઓના, પ્લેસ્ટેશન વસ્તુઓના તેમ જ વિડિયોગેમ્સના સૌથી મોટા સંગ્રહના રેકૉર્ડ મુખ્ય છે. આમાં વિડિયો ગેમ્સનું કલેક્શન સૌથી નોંધપાત્ર છે, જેની કુલ કિંમત ૨૧ લાખ ડૉલર (લગભગ ૧૭.૩૮ કરોડ રૂપિયા) જેટલી થાય છે. 

ઍન્ટોનિયોએ સૌપ્રથમ ૧૯૮૭માં ૧૦ વર્ષની વયે પ્રથમ નિન્ટેન્ડો ગેમિંગ કન્સોલ રમતોનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને આજ સુધી તેની પાસે લગભગ દરેક વિડિયો ગેમ આઇટમ છે જે તમે ક્યારેય સાંભળી પણ નહીં હોય. જોકે તેના કલેક્શનની સૌપ્રથમ વિડિયો ગેમ સેગા જેનેસિસ છે. ઍન્ટોનિયોનું કહેવું છે કે તેના સંગ્રહમાં અનેક ગેમ્સ એવી છે જે તે યુવાનવયે રમ્યો હતો અને પછીથી પોતાના કલેક્શનમાં એનો સમાવેશ કર્યો હતો. ઍન્ટોનિયો વિડિયો ગેમ્સને એક કલા તરીકે સ્વીકારે છે, જેમાં કલાત્મકતા કે સર્જનાત્મકતા છુપાયેલી હોય અને જેના દ્વારા તમારી વાત કહેવાની શક્યતા અમર્યાદ પ્રમાણમાં વધી શકે છે. તેના કલેક્શનની અમુક ગેમ્સ પરિવાર કે મિત્રો સાથે વિતાવેલા અમૂલ્ય સમયના સંભારણા તરીક તેના કલેક્શનમાં સ્થાન પામી છે.

offbeat news guinness book of world records international news united states of america texas