12 November, 2024 04:27 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
કોબ્રાએ ડંખ માર્યો
બિહારમાં છઠપૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. એ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાતા હોય છે અને એ કાર્યક્રમોમાં લોકોને મનોરંજન પૂરું પાડવા માટે જાતજાતના કીમિયા અજમાવાતા હોય છે. સહરસા જિલ્લામાં આવો એક કાર્યક્રમ યોજાયો હતો એમાં એક કલાકાર માંડ બચ્યો હતો. છઠપૂજા નિમિત્તે ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો એમાં કલાકાર ગૌરવ કુમાર મહિલાનાં કપડાં પહેરીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતો હતો. લોકોને મજા પડે એ માટે સ્ટેજ પર બે કોબ્રા પણ લવાયા હતા. ગૌરવ કોબ્રાને ગળામાં વીંટીને ગીતની ધૂન પર નાચતો હતો અને એટલો મશગૂલ થઈ ગયો હતો કે કોબ્રાએ ડંખ માર્યો એની પણ તેને ખબર ન પડી. થોડી વાર પછી ચક્કર આવ્યાં અને બેભાન થઈને પડી ગયો. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયો એટલે જીવ બચી ગયો. ગૌરવ કહે છે કે ‘હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો એટલે હું બચી ગયો. નહીંતર આયોજકો તાંત્રિક પાસે લઈ જતા હોય છે અને ઘણી વાર કલાકાર મરી જાય છે. જીવ જોખમમાં આવી જાય એવા કાર્યક્રમ માટે એ લોકોને ખાલી ૨૦૦૦ રૂપિયા જ મળતા હોય છે.’