11 September, 2024 12:03 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલની ફી ભરવા માટે ૩ વર્ષનો દીકરો વેચ્યો
આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની છે. બરવા પટ્ટી રહેતા હરીશ પટેલની પત્નીને ડિલિવરી માટે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકને જન્મ આપ્યા પછી હૉસ્પિટલમાંથી ઘરે જવા માટે ૪૦૦૦ રૂપિયાનું બિલ ચૂકવવાનું હતું, પરંતુ મજૂરીકામ કરતા હરીશ પાસે એટલા પૈસા નહોતા અને હૉસ્પિટલે પણ બિલ ચૂકવ્યા વિના બન્નેને નહીં લઈ જઈ શકાય એવું કહ્યું એટલે હરીશ મૂંઝાયો. એ દરમ્યાન બાળકને દત્તક આપવા માટે હૉસ્પિટલમાંથી જ કોઈકે તેને સલાહ આપી એટલે તે તૈયાર થઈ ગયો. જોકે પછીથી એ બાળકો ખરીદવાનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું. હરીશે બાળક દત્તક લેવાના બનાવટી ફૉર્મ પર સહી કરી અને રૂપિયા લઈને દીકરો સોંપી દીધો હતો. ઘટનાની જાણ થઈ એટલે પોલીસે કાર્યવાહી શરૂ કરી એમાં વચેટિયા અમરેશ યાદવ, દત્તક લેનારું દંપતી ભોલા યાદવ અને તેની પત્ની કલાવતી, નકલી ડૉક્ટર તારા કુશવાહ અને હૉસ્પિટલના કર્મચારી સુગંતીની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીની ચુંગાલમાંથી બાળકને છોડાવીને હરીશ પટેલને સોંપ્યું હતું.