10 January, 2023 12:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયામાં ૧૯૩૧નો બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ શૅર થયો
તાજેતરમાં અંશુમાન સિંહ નામની એક વ્યક્તિએ ૧૯૩૧ના સમયના પાસપોર્ટનો ફોટો શૅર કર્યો છે. આ પાસપોર્ટ તેના દાદાનો છે, જે ઐતિહાસિક વસ્તુઓ ધરાવવાના શોખીનો માટે એક ખજાનો છે. અંશુમાને કહ્યું કે મારા દાદા પાસે બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ હતો જે તેમને ૧૯૩૧માં લાહોરમાં આપવામાં આવ્યો હતો. એ વખતે તેમની ઉંમર ૩૧ વર્ષની હોવી જોઈએ. પાસપોર્ટમાં દાદાનો ફોટો અને સહી છે. આ પાસપોર્ટ ભારત અને કેન્યા કૉલોની માટે ૧૯૩૬ની ૩ જુલાઈ સુધી માન્ય હતો. આ ટ્વીટનો જવાબ આપતાં એક યુઝરે તેના પરદાદા કરતાર સિંહના નામનો પાસપોર્ટ ઇટલી, નેધરલૅન્ડ્સ અને જર્મનીના વિઝા સ્ટૅમ્પ સાથે શૅર કર્યો હતો. અન્ય એક યુઝરે કહ્યું કે તે ગમે ત્યારે લાહોરના નિવાસી હોવાનો દાવો કરી શકે છે. અન્ય એક યુઝરે કહ્યું કે તમારા દાદા હિન્દુ જાટ હોવા જોઈએ, કારણ તેમણે વાળ કાપ્યા હતા અને નામની પાછળ રાય લગાડ્યું હતું. એના જવાબમાં અંશુમાન સિંહે કહ્યું કે તેઓ નાનપણથી જ નાસ્તિક હતા. કિશોરાવસ્થામાં જ ઘરેથી ભાગી ગયા હતા અને પોતાના વાળ કપાવ્યા હતા. તેમનો પરિવાર જાટ સિખ હતો. તેમના પપ્પા અને તેમના બન્ને ભાઈઓએ સિખોની જેમ વાળ વધાર્યા હતા.