23 November, 2023 08:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આપણા દેશમાં ટૅલન્ટની કમી નથી અને ખાસ તો કોઈ અઘરા કામને એકદમ સરળ બનાવવામાં આપણને સારી ફાવટ છે. આપણે કોઈ પણ અઘરી કે દુર્લભ લાગતી ટેક્નૉલૉજીનું એકદમ સરળીકરણ કરી શકીએ છીએ. આવી યુક્તિઓને લોકપ્રિય ભાષામાં જુગાડ કહે છે. અહીં લોકો જાતજાતના જુગાડ કરીને અઘરી લાગતી વાતને સાવ સરળ બનાવી દેતા હોય છે.
આવો જ એક જુગાડ કરીને એક માણસે તાજેતરમાં બ્લુ રંગના એક ઢોલ એટલે કે ડ્રમ અને એક મોટરને એકબીજા સાથે ફીટ કરીને વૉશિંગ મશીન બનાવ્યું છે, જે મોંઘી કિંમતે વેચાતા હોમ અપ્લાયન્સ વૉશિંગ મશીનની જેમ જ કામ કરે છે. આ રીતે બનાવેલા વૉશિંગ મશીનને ચાલુ કરીને એનો વિડિયો પણ તેણે બનાવ્યો છે અને સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. આ વિડિયો જોઈને દર્શકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને આ વિડિયોને દોઢ કરોડ જેટલા વ્યુઝ મળ્યા છે. અલબત્ત, જુગાડવાળું વૉશિંગ મશીન એકદમ પરફેક્ટ નથી અને એમાં કેટલીક ખામીઓ હોઈ શકે એવું પણ ઘણાને લાગે છે. છતાં લોકોને આ વિડિયો જોવાની મોજ પડી ગઈ છે અને આ બનાવનારની પ્રશંસા કરતી કમેન્ટ્સ પણ લોકોએ કરી છે. એક યુઝરે તો લખ્યું છે કે હવે નાસા અહીં આવશે. બીજા એક યુઝરે લખ્યું છે કે કોઈ બોલ સકતા હૈ કિ ઇન્ડિયા મેં ટૅલન્ટ કી કમી હૈ? ખરેખર ટૅલન્ટની નહીં તો ટૅલન્ટ દેખાડવાની કમી તો આ દેશમાં છે જ નહીં.