05 April, 2023 11:47 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
૨૧ કલાક ઘૂંટણિયે બેસી રહ્યો યુવક, પણ એક્સ-ગર્લફ્રેન્ડનું દિલ ન પીગળ્યું
પ્રેમમાં ખૂબ તાકાત હોવાનું કહેવાય છે, પરંતુ ક્યારેક પ્રેમ આકરી પરીક્ષા લે છે. અહીં આવા જ એક કિસ્સા વિશે જાણીએ. ચીનમાં એક યુવક તેની એક્સ-ગર્લફ્રેન્ડને મનાવવા તેની ઑફિસની બહાર વરસાદમાં આખી રાત ઘૂંટણિયે બેઠો હતો. તે તેની એક્સ-ગર્લફ્રેન્ડને તેની લાઇફમાં ફરી તેને સામેલ કરવા માટે કરગરતો હતો. આ બૉયફ્રેન્ડે ચીનના સિચુઆન પ્રાંતના ડેઝોઉમાં તેની એક્સ-ગર્લફ્રેન્ડની ઑફિસ બિલ્ડિંગની નીચે ૨૮ માર્ચે બપોરે એક વાગ્યાથી ઘૂંટણિયે બેસવાનું શરૂ કર્યું હતું. તેની પાસે એ સમયે ગુલાબ પણ હતાં. ૨૧ કલાક સુધી ઘૂંટણિયે બેસવાનો તેનો વિડિયો ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર વાઇરલ થયો છે. આ વિડિયોએ ૧૫ કરોડ વ્યુઝ મેળવ્યા છે. આ બૉયફ્રેન્ડના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, કેમ કે આ ૨૧ કલાક દરમ્યાન તેની ગર્લફ્રેન્ડ જોવા જ નહોતી મળી. સ્થાનિક લોકો તેની આસપાસ ભેગા થઈ ગયા હતા અને તેને આ પ્રયાસ પડતો મૂકવા સમજાવ્યો હતો. તે ૨૯ માર્ચે સવારે ૧૦ વાગ્યે ત્યાંથી નીકળી ગયો હતો, કેમ કે તે વધુ સમય ઠંડીમાં ઘૂંટણિયે બેસી શકે એમ નહોતો.