08 July, 2024 11:15 AM IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
ઍન્ડ્રુ સ્ટૅન્ટન
અમેરિકાના લાસ વેગસનો ઍન્ડ્રુ સ્ટૅન્ટન સ્ટેજ પર અજબ-ગજબના સ્ટન્ટ કરી દેખાડે છે. જોકે તાજેતરમાં એક ઇટાલિયન ટીવી-સિરીઝમાં તેણે બે સ્ટન્ટ લાઇવ ઑડિયન્સ સામે કરીને દર્શકોને સ્તબ્ધ કરી દીધા હતા. આ બન્ને સ્ટન્ટ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામ્યા છે. રેકૉર્ડ માટે ઍન્ડ્રુએ પોતાની આંખના ડોળાને હોલ્ડ કરતા આંખના સૉકેટના મસલ્સને એટલા મજબૂત બનાવ્યા છે કે એ હજારો કિલો વજન ખેંચી શકે છે.
પહેલા સ્ટન્ટમાં તે આંખના સૉકેટ સાથે ચીટકી જાય એવા બે મોટા દોરડા લગાવે છે અને પછી એનાથી ૪૨૧૩ કિલો વજનની કૅડિલેક કાર ખેંચે છે. કાર ખેંચતી વખતે તે પાછા પગે ચાલે છે અને ૧૦૦ મીટર અંતર સુધી કાર ઢસડાય છે.
બીજા સ્ટન્ટમાં ફરીથી તે આંખના સૉકેટ પર દોરડા બાંધે છે અને આ વખતે સ્ટન્ટને વધુ ટફ કરવા માટે ગળામાં તલવાર પણ મૂકે છે. એ પછી દોરડા સાથે સ્થિર સૂતેલી તેની ૫૯ કિલો વજનની અસિસ્ટન્ટને ઊંચકી લે છે. આ બન્ને સ્ટન્ટ ખૂબ જોખમી રેકૉર્ડ્સની કૅટેગરીમાં આવે છે એટલે જોવામાં જેટલા સહેલા લાગે છે એટલા જ એ જોખમી બની શકે છે.