30 January, 2023 01:12 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
રસ્તાની વચ્ચે વિકલ્પ માલવી નામનો યુવાન હાથમાં પોસ્ટર પકડીને ઊભો છે
સમાજમાં દહેજનું દૂષણ કેટલી હદે ઘર કરી ગયું છે એ કોઈથી છૂપું નથી. દહેજને કારણે કેટલીય કોડીલી કન્યાઓનું જીવન નરક બની ગયું છે તો કેટલીય કન્યાઓએ અપરિણીત રહેવાનો નિર્ણય લીધો છે. એવામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવક ભરબજારે પોસ્ટર પકડીને ઊભો છે, જેમાં તે છોકરીને સામેથી દહેજ આપવા તૈયાર છે. જોકે દહેજ લેવા માટે યુવતીની સરકારી નોકરી હોવી જરૂરી છે.
સોશ્યલ મીડિયા પર ફરી રહેલી આ ક્લિપ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ફાઉન્ટન ચોકના કમાનિયા ગેટ બીચ માર્કેટની છે, જ્યાં રસ્તાની વચ્ચે વિકલ્પ માલવી નામનો યુવાન હાથમાં પોસ્ટર પકડીને ઊભો છે, જેમાં લખ્યું છે, ‘મને લગ્ન કરવા માટે સરકારી નોકરી કરતી યુવતીની તલાશ છે. એ માટે હું દહેજ આપવા પણ તૈયાર છું.’
આ પણ વાંચો : આ અસલી Ajay Devgn જ છે કે એનો જુડવા?! વીડિયો જોઈ મુકાશો અસમંજસમાં
અપેક્ષાથી વિપરીત આ પોસ્ટરે ઘણાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કેટલાકે તેની મજાક ઉડાડી છે તો કેટલાકે આને સમાજની બદલાતી માનસિકતા ગણાવી છે. આ વિડિયો સુશાંત પીટર નામના ટ્વિટર-યુઝરે અપલોડ કર્યો છે, જેને અત્યાર સુધી ૩૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.