શૉકિંગ : તેલંગણ ફૂડ લૅબને ડેરી મિલ્ક ચૉકલેટમાં કીડો મળ્યો

01 March, 2024 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ ૨૦૦૩માં મુંબઈમાં એક ગ્રાહકે ચૉકલેટમાં કીડો હોવાની ફરિયાદ કરી હતી.

કૅડબરી ડેરી મિલ્ક

જાણીતી ચૉકલેટ કંપની કૅડબરી ડેરી મિલ્કની ચૉકલેટમાં એક કીડો મળી આવ્યો હતો. હૈદરાબાદની એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર કૅડબરી ચૉકલેટમાંથી નીકળેલા કીડાનો ​વિડિયો શૅર કર્યો હતો. આ ​વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. આ ​વિડિયોમાં જોવા મળે છે કે એ વ્યક્તિએ હાથમાં ચૉકલેટ પકડેલી છે. પૅકેટ ખોલતાંની સાથે જ ચૉકલેટની પાછળ એક કીડો દેખાય છે. ચૉકલેટમાં એક જીવતો કીડો રખડતો જોવા મળે છે. રૉબી નામની વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચૉકલેટ ખરીદી હતી. 

જોકે ત્યાર બાદ તેલંગણ સ્ટેટ ફૂડ લૅબોરેટરીએ ચૉકલેટમાં સફેદ કીડાની હાજરીની પુષ્ટિ કરી હતી. રાજ્યની ફૂડ લૅબે પણ કહ્યું હતું કે કૅડબરી ચૉકલેટ (રોસ્ટેડ બદામ) ઉપયોગ માટે અસુરક્ષિત છે. અગાઉ ૨૦૦૩માં મુંબઈમાં એક ગ્રાહકે ચૉકલેટમાં કીડો હોવાની ફરિયાદ કરી હતી. એ સમયે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને કૅડબરીના પુણે પ્લાન્ટમાં ઉત્પાદિત ચૉકલેટનો સ્ટૉક જપ્ત કર્યો હતો અને તેમની તપાસમાં પુષ્ટિ થઈ છે કે સ્ટોરમાંથી લેવામાં આવેલી કૅડબરી ચૉકલેટમાં કીડા હતા. આ ઘટના બાદ કૅડબરીના વેચાણમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

offbeat videos offbeat news social media