વિશ્વની સૌથી વૃદ્ધ કૅટનો રેકૉર્ડ બનાવશે ૨૯ વર્ષની આ બિલાડી

05 June, 2024 04:13 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મિલી નામની આ કૅટ ૨૯ વર્ષની છે જેનો જન્મ ૧૯૯૫માં થયો હતો.

મિલી નામની કૅટ

દુનિયામાં કેટલાય લોકો એવા છે જેમની ઉંમર ૧૦૦ વર્ષ કે એથી વધુ હોય. હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિની ઉંમર ૧૧૭ વર્ષ છે, પણ સૌથી વૃદ્ધ બિલાડીની ઉંમર કેટલી હોઈ શકે? ૬૯ વર્ષના લેસ્લી ગ્રીનહોફે દાવો કર્યો છે કે તેમની પાસે વિશ્વની સૌથી વૃદ્ધ બિલાડી છે. મિલી નામની આ કૅટ ૨૯ વર્ષની છે જેનો જન્મ ૧૯૯૫માં થયો હતો. આ બિલાડી લેસ્લીની પત્ની પૌલા ગ્રીનહોફે અડૉપ્ટ કરી હતી. એ વખતે મિલી માત્ર ત્રણ મહિનાની હતી. પૌલા ગ્રીનહોફનું કોવિડને કારણે મૃત્યુ થતાં હવે લેસ્લી તેની યાદમાં મિલીનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાવવા ઇચ્છે છે. રેકૉર્ડ અનુસાર ૧૯૯૫ની ૨૯ ડિસેમ્બરે જન્મેલી ૨૮ વર્ષની બિલાડી ફ્લોસી હાલ વિશ્વની સૌથી વૃદ્ધ બિલાડી છે.

મિલીના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય એ છે કે તે ચિકન અને કૅટ-ફૂડનું મિક્સ ડાયટ ખાય છે અને એને ક્યારેય પશુચિકિત્સક પાસે જવાની જરૂર પડી નથી. જોકે મિલીની ઉંમર વધવાને કારણે તે અમુક ઍક્ટિવિટી કરવામાં કમજોર થઈ ગઈ છે અને તેને થોડી બહેરાશ પણ આવી ગઈ છે. લેસ્લીએ કહ્યું હતું કે અમે માત્ર બે જ જણ રહીએ છીએ અને મિલી બાકીની બિલાડીઓથી પરેશાન નથી થતી એટલે જ એ લાંબું અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી છે.

offbeat news guinness book of world records international news united states of america