02 October, 2024 01:47 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ભરત કુમાર પ્રજાપતિ
લાલચ માણસને પશુ બનાવી દેતી હોય છે, માણસની વિવેકબુદ્ધિ ભ્રષ્ટ કરી નાખતી હોય છે અને માણસ ન કરવાનું કરી બેસે છે. લખનઉમાં મોબાઇલ ફોનના પૈસા ન ચૂકવવા પડે એ માટે ડિલિવરી કરવા આવેલા યુવાનને ૩ મિત્રોએ ગળું દબાવીને મારી નાખ્યો હતો અને પકડાઈ ન જવાય એ માટે તેની લાશને તેની જ ડિલિવરી બૅગમાં ભરીને નહેરમાં ફેંકી દીધી હતી. પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું અને બે હત્યારા પકડાઈ ગયા છે અને ત્રીજાને પકડવા પોલીસે ૩ ટીમ બનાવી છે.
અમેઠીના જામો ગામમાં રહેતો ૩૨ વર્ષનો ભરત કુમાર પ્રજાપતિ પત્ની અખિલેશ કુમારીને લઈને લખનઉના ચિનહટમાં રહેતો હતો. તે ઇન્સ્ટા કાર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ડિલિવરી-બૉયની નોકરી કરતો હતો. ૨૪ સપ્ટેમ્બરે બપોરે ભરત ૪૯ ગ્રાહકનાં પાર્સલ લઈને નીકળ્યો હતો પણ મોડી રાત સુધી પાછો ન આવ્યો એટલે કંપનીના ઇન્ચાર્જ આદર્શ કોષ્ટાએ ભરતના પરિવારને જાણ કરીને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ શરૂ કરી એમાં ખબર પડી કે હિમાંશુ કનોજિયાએ બે મોબાઇલ ફોનનો ઑર્ડર કર્યો હતો. ભરત પ્રજાપતિ ૨૪મીએ કુલ લાખ રૂપિયાના એ બન્ને ફોનની ડિલિવરી કરવા ગયો ત્યારે મનોજના મિત્રો ગજાનન અને આકાશે તેને ઘરમાં ખેંચી લીધો અને ગળું દાબીને મારી નાખ્યો. બન્ને ફોન અને ૩૫ હજાર રૂપિયા લૂંટી લીધા. પછી તેની લાશ તેની જ ડિલિવરી બૅગમાં ભરીને નહેરમાં ફેંકી દીધી હતી. પોલીસે હિમાંશુ કનોજિયા અને આકાશને પકડી લીધા છે. મોબાઇલ લૂંટવા માટે હત્યા કરનારા આરોપી મોબાઇલના લોકેશનથી જ પકડાઈ ગયા.