ચૂંટણી બાદ મોબાઇલના રીચાર્જ દર ૧૫થી ૨૫ ટકા વધી જવાની શક્યતા

16 May, 2024 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલના ૩૦૦ રૂપિયાના રીચાર્જનો નવો દર ૩૫૧થી ૩૭૫ રૂપિયા થઈ શકે : છેલ્લે ૨૦૨૧ના ડિસેમ્બરમાં ૨૦ ટકાનો વધારો થયો હતો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ મોબાઇલધારકોએ રીચાર્જ કરવા માટે વધુ નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે. મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોએ દરના માળખામાં ફેરફાર કરવાની તમામ તૈયારી કરી લીધી છે. આ વધારો ૧૫થી ૨૫ ટકા જેટલો રહેવાની ધારણા છે. ટેલિકૉમ કંપનીઓએ નવી 5G ટેક્નૉલૉજી માટે ઘણું રોકાણ કર્યું છે અને એથી તેઓ દરમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે. ૧૯ એપ્રિલથી શરૂ થયેલી લોકસભાની ચૂંટણી પહેલી જૂને સાતમા તબક્કા બાદ પૂરી થશે અને ચોથી જૂને પરિણામ આવશે. એન્ટિક સ્ટૉક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકૉમ ઇન્ડસ્ટ્રી મોબાઇલ દરોમાં ૧૫થી ૨૫ ટકાનો વધારો ગ્રાહકો પર ઝીંકવાની તૈયારીમાં છે. ઘણા લાંબા સમયથી ભારતમાં મોબાઇલના દરમાં વધારો થયો નથી અને એથી ચૂંટણી પૂરી થઈ જાય એ પછી આ વધારો લાદવામાં આવશે.

છેલ્લે ૨૦૨૧ના ડિસેમ્બરમાં ટેલિકૉમના દરમાં ૨૦ ટકાનો વધારો થયો હતો અને આમ ત્રણ વર્ષના સમયગાળા બાદ ફરી દરમાં વધારો થશે. ૧૭ ટકાનો વધારો થાય તો જે રીચાર્જ માટે આજે ૩૦૦ રૂપિયા ચૂકવવા પડે છે એના બદલે નવા દર મુજબ ૩૫૧ રૂપિયા ચૂકવવાના આવે અને ૨૫ ટકાનો વધારો થાય તો એ રકમ ૩૭૫ રૂપિયા થઈ શકે. દેશની બીજી સૌથી મોટી ટેલિકૉમ કંપની ભારતી ઍરટેલને આ દરવધારાથી ઘણો ફાયદો થશે. હાલમાં ભારતી ઍરટેલનો ઍવરેજ પ્રૉફિટ પર યુઝર ૨૦૮ રૂપિયા છે. પણ નવા દર મુજબ એ ૨૮૬ રૂપિયા થઈ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ કંપનીનો કસ્ટમર બેઝ દર વર્ષે બે ટકાના દરે વધી રહ્યો છે. બીજી તરફ ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ-રેટ પ્રતિ વર્ષ એક ટકો છે. 

offbeat videos offbeat news social media