09 June, 2022 10:13 AM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent
લિપસ્ટિક પ્લાન્ટ
બૉટનિકલ સર્વે ઑફ ઇન્ડિયા (બીએસઆઇ)ના સંશોધકોએ લગભગ એક સદી પછી અરુણાચલ પ્રદેશમાં અંજાવ જિલ્લામાં એક દુર્લભ પ્લાન્ટ ફરીથી શોધી કાઢ્યો છે, જે એક સમયે ‘ભારતીય લિપસ્ટિક પ્લાન્ટ’ તરીકે ઓળખાતો હતો.
અરુણાચલ પ્રદેશમાંથી અંગ્રેજ બોટનિસ્ટ આઇઝૅક હેનરી બર્કિલ દ્વારા એકઠા કરવામાં આવેલા સૅમ્પલ્સના આધારે ૧૯૧૨માં બ્રિટિશ બોટનિસ્ટ સ્ટીફન ટ્રોયટે ડુન્ને એશીન્થસ મોનેટેરિયા ડુન્ન નામે ઓળખાતો આ પ્લાન્ટ સૌપ્રથમ ઓળખી કાઢ્યો હતો.
બીએસઆઇ વૈજ્ઞાનિક ક્રિષ્ના ચૌલુએ શોધ પરના તાજેતરમાં પ્રકાશિત થયેલા સાયન્સ જર્નલના એક લેખમાં જણાવ્યું હતું કે ટ્યુબ્યુલર લાલ કોરોલાના દેખાવને કારણે, એસ્કીનન્થસ જીનસ હેઠળની કેટલીક પ્રજાતિઓને લિપસ્ટિક છોડ કહેવામાં આવે છે.
અરુણાચલ પ્રદેશમાં ફૂલોને લગતી બાબતોના અભ્યાસ દરમ્યાન ચૌલુએ ડિસેમ્બર, ૨૦૨૧માં અંજાવ જિલ્લાના હ્યુલિયાંગ અને ચિપ્રુમાંથી એસ્કીનન્થસના થોડા સૅમ્પલ્સ લીધા હતા. સંબંધિત દસ્તાવેજો તેમ જ નવા સૅમ્પલ્સના અભ્યાસ પરથી જણાયું હતું કે આ સૅમ્પલ્સ એશીન્થસ મોનેટેરિયાના હતા, જે ૧૯૧૨માં બર્કિલ દ્વારા શોધવામાં આવ્યા બાદ કોઈને ભારતમાંથી મળ્યા નહોતા.
આ છોડ ભેજવાળા અને સદાબહાર જંગલોમાં ૫૪૩થી ૧૧૩૪ મીટરની ઊંચાઈએ ઊગે છે અને એનાં ફૂલો અને ફળનો સમય ઑક્ટોબર અને જાન્યુઆરી વચ્ચેનો છે.