28 March, 2025 06:10 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કૅમેરા થયો લૉન્ચ
દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કૅમેરા લૉન્ચ થયો છે અને એને ચિલીના વેરા સી. રુબિન ઑબ્ઝર્વેટરીમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રકારના કૅમેરાને લાર્જ સિનૉપ્ટિક સર્વે ટેલિસ્કોપ (LSST) કૅમેરા પણ કહેવામાં આવે છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિજિટલ ઇમેજિંગ ઇક્વિપમેન્ટ છે. એનાથી આગામી દશકાઓમાં પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં રાતના આકાશનું વિસ્તૃત અવલોકન કરવામાં આવશે. આ ઑબ્ઝર્વેટરી ૨૦૨૫થી પૂર્ણપણે સંચાલન શરૂ કરશે. આ કૅમેરા બનાવવા માટે અમેરિકાના નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) અને ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી (DOE) દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ બ્રહ્માંડનો અભૂતપૂર્વ ટાઇમ-લૅપ્સ રેકૉર્ડ તૈયાર કરવાનો છે.
આ કૅમેરા કેટલીક રાત્રિમાં આખા આકાશનું વ્યવસ્થિત રૂપથી સર્વેક્ષણ કરશે અને હાઈ રેઝોલ્યુશનવાળી તસવીરો ખેંચશે. આ તસવીર એટલી વિશાળ હશે કે એને પ્રદર્શિત કરવા માટે ૪૦૦ અલ્ટ્રા HD (હાઈ ડેફિનેશન) ટેલિવિઝન સ્ક્રીનની આવશ્યકતા પડશે. આ કૅમેરા સુપરનોવા, ઍસ્ટેરોઇડ અને પલ્સેટિંગ સ્ટાર્સ જેવી ખગોળીય ઘટનાઓને પણ કૅપ્ચર કરશે, જેને કારણે બ્રહ્માંડમાં બનતી ઘટનાઓ વિશે જાણવામાં એક નવી દિશા મળશે.
ખગોળશાસ્ત્રી વેરા રુબિનના સન્માનમાં ઑબ્ઝર્વેટરીને નામ આપવામાં આવ્યું છે. તેમણે પોતાના સાથી કર્મચારી કેન્ટ ફૉર્ડ સાથે મળીને રિસર્ચ કરતાં જાણ્યું હતું કે આકાશગંગાઓ એ ગતિથી નથી ફરી રહી જેની અપેક્ષા ગુરુત્વાકર્ષણના નિયમો અનુસાર કરવામાં આવે છે. એના પરથી ફલિત થયું હતું કે ડાર્ક મૅટર આકાશગંગાઓની ગતિને પ્રભાવિત કરી રહ્યું છે. હવે આ સૌથી મોટા ડિજિટલ કૅમેરા ઉપરાંત ઑપ્ટિકલ અને ડેટા-પ્રોસેસિંગ ટેક્નિક દ્વારા આ રહસ્યને ઊંડાણપૂર્વક જાણવામાં મદદ મળશે અને ડાર્ક એનર્જીના પ્રભાવને માપવામાં એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.