03 August, 2024 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ મજૂર છે કે પનિહારી! માથા પર ૮ બોરી ઊંચકીને કેટલો આરામથી ચાલે છે
તમે ઊંચકી-ઊંચકીને કેટલું વજન ઊંચકી શકો? એ વાંચ્યા પછી પ્રયત્ન કરી જોજો. આ પૂછવાનું કારણ એટલું જ કે એક વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે ચગ્યો છે. આ સાવ સામાન્ય વિડિયો છે. એમાં એક ટ્રકમાંથી એક મજૂર બીજા મજૂરના માથે બોરી મૂકે છે ને એ મજૂર બોરી ઊંચકીને જતો દેખાય છે, પણ સાવ સામાન્ય લાગતા આ વિડિયોમાં અસામાન્ય વાત બોરીની સંખ્યાની છે. એ મજૂર માથા પર એક-બે નહીં, ૮-૮ બોરી ઊંચકીને જાણે પનિહારી ચાલતી હોય એમ મલપતી ચાલે ચાલી નીકળે છે. એક બોરીમાં ૫૦ કિલો વજન ધારીએ તો ૮ બોરી લેખે ૪૦૦ કિલો વજન થાય. હવે ૪૦૦ કિલો વજન ઊંચકવું એ કાંઈ નાની માના ખેલ નથી. જિમમાં જઈને ડમ્બેલ્સ ઊંચકનારા અને વેઇટલિફ્ટિંગ કરનારા અચ્છા-અચ્છા બાવડેબાજોનેય ફીણ નીકળી જાય!