05 September, 2024 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉલી ચાવાળો
હૈદરાબાદમાં માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સને ચા પીવડાવ્યા પછી વધુ ફેમસ થયેલા નાગપુરના ડૉલી ચાવાળાની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. બિલ ગેટ્સવાળી ઘટના પછી તેને કાર્યક્રમો અને સમારંભોમાં આવવાનાં આમંત્રણો મળવા લાગ્યાં છે. કુવૈતના એક વ્લૉગર તૈયબ ફખરુદ્દીને પણ તેને કાર્યક્રમમાં બોલાવવાનું નક્કી કર્યું, પરંતુ ડૉલીનો ભાવ સાંભળીને ચક્કર ખાઈ ગયો. વ્લૉગરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે મેં ડૉલીને કુવૈત બોલાવવાનું વિચારીને તેનો સંપર્ક કર્યો, પરંતુ તે બહુ મોંઘો છે. તૈયબ ફખરુદ્દીનના કહેવા પ્રમાણે ડૉલીએ ત્યાં આવવાનો ૨૦૦૦ દિનાર એટલે કે પાંચ લાખ રૂપિયા ચાર્જ કહ્યો છે. આ એક દિવસનો ચાર્જ છે. તેની સાથે એક સહાયક પણ આવશે અને રહેવા માટે પણ ફોર કે ફાઇવસ્ટાર હોટેલમાં રૂમ બુક કરવા કહ્યું છે. મજાની વાત એ છે કે વ્લૉગર સાથે આ બધી વાતચીત ડૉલીએ નહીં, તેના મૅનેજરે કરી હતી. ડૉલી સાત રૂપિયામાં ચા વેચે છે, પરંતુ એની વિશિષ્ટતાને કારણે રોજ ૩૫૦થી ૫૦૦ કપ ચા વેચાય છે. એટલે તે દિવસના ૨૪૫૦થી ૩૫૦૦ રૂપિયા કમાય છે અને તેની કુલ સંપત્તિ ૧૦ લાખ રૂપિયા હોવાનું અહેવાલો કહે છે.