લોકો કેટલા પ્રામાણિક છે એ તપાસવા કોરિયન ઇન્ફ્લુઅન્સરે ચલણી નોટો રોડ પર ફેંકી જોઈ

15 July, 2024 12:00 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લગભગ ત્રણથી ચાર જગ્યાએ તેણે જોયું કે ખૂબ સારા ઘરના દેખાય એવા લોકોને એ નોટો મળી ત્યારે તેમણે આજુબાજુ જોયું

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરવી પડે છે, પણ જો એમ જ પૈસા મળી જાય તો કોણ છોડે? કોરિયન ઇન્ફ્લુઅન્સર લિલીએ તેના દેશના લોકોની પ્રામાણિકતા ચકાસવા માટે પૈસા રોડ પર ફેંકવાનો પ્રયોગ કર્યો હતો. અલગ-અલગ વિસ્તારમાં તેણે ચલણી નોટોનું બંડલ રસ્તા પર ફેંક્યું હતું અને સીક્રેટલી ચેક કર્યું. લગભગ ત્રણથી ચાર જગ્યાએ તેણે જોયું કે ખૂબ સારા ઘરના દેખાય એવા લોકોને એ નોટો મળી ત્યારે તેમણે આજુબાજુ જોયું. કોઈની પડી ગઈ છે કે શું એ નજરથી ચેક કર્યું અને પછી કોઈની નથી એવું સમજીને ખિસ્સામાં સેરવીને ખુશ થઈને નીકળી ગયા. જોકે એક ફાટેલા કપડાવાળા કચરો વાળનારા માણસના હાથમાં નોટોનું બંડલ આવ્યું ત્યારે જે કોઈ માની પણ ન શકે એવી ઘટના બની. તેણે બંડલ હાથમાં લઈને આસપાસના અનેક લોકોને પૂછ્યું. પૂછતાં-પૂછતાં તે લિલીની કાર પાસે આવ્યો અને પૂછ્યું. લિલીએ કહ્યું કે ‘આ પૈસા મારા છે, પણ તું રાખી લે.’ પેલો માણસ ધરાર એ પૈસા તેની કારમાં મૂકીને ચાલ્યો ગયો.

offbeat news korea social media