02 April, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાપીકોન્ડા નૅશનલ પાર્ક
આદિવાસી સમાજ પ્રકૃતિની ઊંડી સમજ ધરાવે છે. તાજું ઉદાહરણ આંધ્ર પ્રદેશમાં સામે આવ્યું છે. પૂર્વ કાંઠામાં આવેલા પાપીકોન્ડા નૅશનલ પાર્કનાં જંગલોમાં મલયન વડ (ચાઇનીઝ બન્યન) જાતનાં વૃક્ષ પાણીનો સંગ્રહ કરતાં હોય છે. ઉનાળામાં જળસ્રોત સુકાઈ જવાથી પાણીની સમસ્યા થાય છે ત્યારે વડનાં આ વૃક્ષોમાં સચવાયેલું પાણી ઉપયોગી બને છે. જોકે આ પ્રકારનાં વૃક્ષો શોધવાં કેવી રીતે એ સમસ્યા હતી. જંગલ ખાતાના સ્થાનિક અધિકારીઓએ એ માટે કોન્ડા રીડી જાતિના આદિવાસીઓ પાસે મદદ માગી હતી. પછી તો આદિવાસીઓની મદદથી જંગલમાં આવાં સંખ્યાબંધ વૃક્ષ શોધી કાઢવામાં આવ્યાં હતાં. આ વૃક્ષના થડ પર કાપો પાડવાથી ફુવારાની જેમ પાણી ઊડે છે. જોકે આ પાણીનો સ્વાદ થોડો તૂરો હોય છે. કોન્ડા રીડી આદિવાસીઓ સદીઓથી જંગલમાં વસે છે. મલયન વડ સ્થાનિક ઇકો-સિસ્ટમનું મહત્ત્વનું વૃક્ષ માનવામાં આવે છે. ઘટાટોપ એવા આ વૃક્ષના છાંયડાને કારણે ઘાસ સુકાતું નથી એથી ઉનાળાના આકરા દિવસોમાં આદિવાસીઓને ઘાસચારો મળી રહે છે.