એક જ પગ છે તો શું થયું? ઊંચાે પર્વત પણ સર કરી લઈશું

01 April, 2024 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૧ ટકા ડિસેબિલિટી ધરાવતા પર્વતારોહકે ૧૬,૫૦૦ ફુટ ઊંચો માઉન્ટ રેનોક સર કર્યો

કલકત્તાના ઉદયકુમાર

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ વાત ઉદયકુમારે ૧૦૦ ટકા સાચી સાબિત કરી બતાવી છે. કલકત્તાના ઉદયકુમારે એક પગ, ૯૧ ટકા ડિસેબિલિટી અને હિમાલય જેટલા ઊંચા મનોબળ સાથે સિક્કિમનો ૧૬,૫૦૦ ફુટ ઊંચો માઉન્ટ રેનોક સર કર્યો છે. ગૅન્ગટૉક સરકારે તેમના ફોટો અને વિડિયો શૅર કરીને આ અદ્ભુત સાહસને બિરદાવ્યું હતું. ૩૫ વર્ષના ઉદયકુમારે ૨૦૧૫માં એક ટ્રેન-અકસ્માતમાં ડાબો પગ અને જમણા પગની ચાર આંગળીઓ ગુમાવી હતી. આ ઘટનાના ઊંડા આઘાતને લીધે તેને જીવન ટૂંકાવી દેવાનો પણ વિચાર આવ્યો હતો, પરંતુ તેણે મક્કમ મનથી જીવનના દરેક પડકારનો સામનો કરવાનું નક્કી કર્યું. ઉદયકુમારની એ પછીની જર્ની મૅરથૉનથી શરૂ થઈ હતી. ભારતભરમાં લગભગ ૫૫ જેટલી મૅરથૉન પૂરી કર્યા બાદ તેણે પર્વતારોહણ શરૂ કર્યું હતું. આ સાહસિકનું કહેવું છે કે ‘ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે જ હું જીવતો રહ્યો છું અને આવી સિદ્ધિથી મારે યુવાનોને પ્રેરિત કરવા છે. આવતા દિવસોમાં હું માઉન્ટ એવરેસ્ટ પણ ચડવા માગું છું.’

offbeat videos offbeat news social media