21 June, 2024 03:35 PM IST | Ajmer | Gujarati Mid-day Correspondent
લાડીદેવી પરિવાર
રાજસ્થાનના અજમેર પાસે ૩૬ કિલોમીટર દૂર રામસર ગામે એક અનોખું સંયુક્ત કુટુંબ રહે છે. આજના સમયમાં આવું જૉઇન્ટ ફૅમિલી દીવો લઈને શોધવા જઈએ તોય ન મળે. આ ગામમાં બાગડી માળી પરિવાર છે જેમાં ૬ જનરેશનના ૧૮૫ લોકો રહે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આ બાગડી માળી ફૅમિલીનો વિડિયો ફરી રહ્યો છે જેમાં પરિવારના લોકો અલગ-અલગ પ્રસંગો માણી રહ્યા છે. આટલો મોટો પરિવાર કઈ રીતે કામ કરે છે એ પણ આ વિડિયોમાં છે. આ સંયુક્ત કુટુંબ સુલતાન માળીનો છે. તેને ૬ દીકરા છે - મોહનલાલ, ભંવરલાલ, રામચંદ્ર, છગનલાલ, છોટુલાલ અને બિર્ડીચંદ. સુલતાન માળી અને તેમના બે દીકરાઓ ભંવરલાલ અને રામચંદ્ર હવે હયાત નથી, પરંતુ છએછ ભાઈઓનો પરિવાર સાથે જ રહે છે.
આ પરિવારનાં દીકરાવહુ લાડીદેવી પરિવાર કઈ રીતે ચાલે છે એની વાતો વિડિયોમાં શૅર કરતાં જોવા મળે છે.
૧. પરિવારનું રસોડું જાણે નાતનો જમણવાર ચાલતો હોય એમ સતત ધમધમતું રહે છે. રોજ ૫૦ કિલો લોટની રોટલીઓ બને છે અને ૧૫ કિલો શાકભાજી એક ટંકમાં બને છે. સમયસર ખાવાનું બની રહે એ માટે ૧૩ સ્ટવ રસોડામાં છે.
૨. દર મહિને રાશનનો ખર્ચ ૧૨ લાખ રૂપિયાનો આવે છે અને રસોડાનું બધું કામ પરિવારની વહુ-દીકરીઓ જાતે જ કરે છે.
૩. પરિવારની ૭૦૦ વીઘા જમીન છે. એના પર ખેતીનું કામ પરિવારના પુરુષો અને દીકરાઓ કરે છે.
૪. વાહનોનો પણ ખાસ્સો મોટો કાફલો આ પરિવાર પાસે છે. ૧૨ કાર, ૮૦ ટૂ-વ્હીલર અને ૧૧ ટૅક્ટર છે.
૫. પરિવારમાં વર્ષે ઍવરેજ ૧૦ બાળકોનો જન્મ થાય છે અને દરરોજ કોઈક ને કોઈકનો બર્થ-ડે હોય છે.
૬. બધા જ પુરુષો પારિવારિક ખેતીમાં જોડાયા હોય એવું નથી. કેટલાક પુરુષો ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ જૉબ પણ કરે છે. કેટલાક પશુપાલનનું કામ કરે છે તો કેટલાક ટ્રૅક્ટર ચલાવે છે.
૭. આ પરિવારની વહુ ૨૦૧૬માં ગામની સરપંચ બની હતી ત્યારથી ગામના ઉદ્ધાર માટેનાં કામમાં પણ આ પરિવારનો સારોએવો ફાળો છે.
ગયા વર્ષે વિકી કૌશલ અને સારા અલી ખાન અજમેરમાં ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મના શૂટિંગ માટે ગયેલાં ત્યારે આ ભંવરલાલ માલીના પરિવારને મળ્યાં હતાં.