04 August, 2024 04:06 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ખેડૂતે ૯૫,૦૦૦ ખર્ચીને બાઇક લીધી, કૂપન સ્ક્રૅચ કરી તો ૧૦૦ ટકા કૅશબૅક મળ્યું
ઝારખંડના મારખંડ ગામના ખેડૂતને હૉન્ડાના સંસ્થાપકનો જન્મદિન ફળ્યો હતો. ખેડૂત કૃષ્ણલાલ દત્તાએ આખી જિંદગીની મૂડી ભેગી કરીને બાઇક ખરીદવાનું નક્કી કર્યું હતું. નજીકના શહેરના શોરૂમમાં જઈને ૯૦,૬૦૮ રૂપિયાની સ્પ્લેન્ડર પ્લસ બાઇક ખરીદી. ઍક્સેસરીઝ સાથે કુલ ૯૫,૦૦૦ રૂપિયાનું બિલ બન્યું. જોકે હીરો મોટોકૉર્પના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પવન મુંજાલે પિતા બ્રિજમોહન મુંજાલની પુણ્યતિથિ નિમિત્તે ખાસ સ્કીમ લાગુ કરી હતી. એ પ્રમાણે ગ્રાહકે બાઇક ખરીદીને હીરો ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની હતી અને એમાં એક કાર્ડ સ્ક્રૅચ કરવાનું હતું. સ્ક્રૅચ કર્યા પછી કાર્ડ પર જે લખ્યું હોય એ ગ્રાહકને મળે. કૃષ્ણલાલે પણ એ બધું કર્યું અને ઘરે જતા રહ્યા. બીજા દિવસે તેમને ગિફ્ટ લઈ જવા માટેનો ફોન આવ્યો. ખેડૂત શોરૂમ પહોંચ્યા તો ખબર પડી કે ૧૦૦ ટકા કૅશબૅક મળ્યું છે એટલે કે કૃષ્ણલાલને બાઇક સાવ મફતમાં મળી ગઈ!