16 February, 2023 12:34 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પહેરી શકાય એવી બીન બૅગ
જૅપનીઝ ગાર્મેન્ટ કંપનીએ વસ્ત્રોની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. જપાનના આઇચી પ્રાંતમાં આવેલી ગાર્મેન્ટ કંપની તાકીકુએ પહેરી શકાય એવી બીન બૅગ બનાવી છે. આ બીન બૅગ પહેરીને તમે ગમે તે સમયે ગમે તે સ્થળે સૂઈ કે બેસી શકો છો.
સામાન્ય રીતે આરામની વાત આવે તો પહેરી શકાય એવી બીન બૅગ યાદ ન જ આવી શકે, પરંતુ આરામ લોકોને બરબાદ કરે છે એવી એક માન્યતા આ બીન બૅગની શોધ પાછળ જવાબદાર છે. તાકીકુના શોગો તાકીકાવાએ જણાવ્યા અનુસાર તમે જે સ્થળે ઇચ્છો એ સ્થળે આરામ ફરમાવી શકો એવી વિચારસરણીમાંથી આ બીન બૅગની કલ્પના જન્મી હતી.
છેલ્લા કેટલાક મહિનાથી જપાનમાં ઉપલબ્ધ આ બીન બૅગ પહેરેલી વ્યક્તિનો વિડિયો ટ્વિટર પર વાઇરલ થતાં લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. કોવિડ-19 લૉકડાઉનમાં થયેલી કેટલીક સારી શોધમાં આ પહેરી શકાય એવી બીન બૅગનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં ઘરે રહીને કામ કરતા લોકોને આરામપ્રદ સમય મળી રહે એ માટે જપાનની કંપનીએ આ પહેરી શકાય એવી બીન બૅગનો આવિષ્કાર કર્યો હતો.
આ પણ વાંચો: ‘પરી’ માટે પાંખડીઓમાંથી બનાવ્યો ડ્રેસ
વિવિધ કલર અને કદમાં ઉપલબ્ધ આ બીન બૅગ સહેલાઈથી પહેરી અને કાઢી શકાય છે તથા ગમે તે સ્થળે, ગમે તે સમયે ઉપયોગ કરવા આદર્શ છે. જોકે એ સામાન્ય વસ્ત્રો કરતાં સહેજ વજનદાર હશે એ યાદ રાખવું ઘટે.