09 March, 2023 12:47 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
ઊડતી બાઇક
સ્ટારવૉર્સ જોયા બાદ આપણને પણ એવું થતું હોય કે આવી કોઈ બાઇક આપણી પાસે પણ હોય તો કેવી મજા પડે. જોકે આવી બાઇક તમે વસાવી શકો છો પણ એ સસ્તી જરાય નથી. ૧૨ ફુટ લંબાઈવાળી આ બાઇક ૪૦ મિનિટ સુધી હવામાં રહી શકે છે તેમ જ ૬૨ માઇલ પ્રતિ કલાક અંદાજે ૯૯ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે દોડાવી શકાય છે. જપાનની સ્ટાર્ટઅપ કંપની ઍરવિન્સ ટેક્નૉલૉજી દ્વારા એને ડેવલપ કરવામાં આવી છે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સ્ટારવૉર્સના કારણે એને આ બાઇક બનાવવાની પ્રેરણા મળી છે. આ બાઇકમાં ગૅસ સંચાલિત કાવાસાકી મોટરના બે મોટા ૨૨૫ હૉર્સ પાવર્સનાં રોટર્સ રાખવામાં આવ્યાં છે. આ બાઇકનો ઉપયોગ આપત્તિ રાહત, શોધ અને બચાવ કાર્યમાં કરવામાં આવી શકે છે. ફ્લાઇંગ બાઇકનું જપાનમાં વેચાણ શરૂ પણ થઈ ગયું છે. તેમ જ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૨માં એનું પહેલું વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે હાલ એ માત્ર રેસ ટ્રૅકની ઉપર જ ઊડે છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં એને અમેરિકાના ડેટ્રોઇટ ઑટો શોમાં રજૂ કરવામાં આવી છે જેમાં ઑટો શોના પ્રમુખે પણ એની ટેસ્ટ ડ્રાઇવને માણી હતી. ફ્લાઇંગ બાઇક અમેરિકામાં આ વર્ષે ૪૬,૧૦૦ પાઉન્ડ, અંદાજે ૪.૫ કરોડ રૂપિયામાં વેચાશે.