22 September, 2024 11:16 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
ગુરતેજ સિંહ ઘરે પાછા આવ્યા છે
લુધિયાણાના ગુરતેજ સિંહે ૩૩ વર્ષની ઉંમરે ૨૦૦૧માં વિદેશ જવા માટે પોતાનું વતન મત્તેવાડા ગામ છોડ્યું હતું. એ વખતે તેમને કે તેમના પરિવારને સપનેય ખ્યાલ નહોતો કે બે-બે દાયકા સુધી એકબીજાને જોઈ પણ નહીં શકે. પાસપોર્ટ ખોવાઈ જવાને કારણે અને દૂતાવાસમાંથી સમયસર કોઈ મદદ ન મળવાને કારણે ગુરતેજ સિંહને ઘરે પાછા આવવામાં ૨૩ વર્ષ લાગ્યાં હતાં. ૩૩ વર્ષની વયે વિદેશ ગયા હતા ત્યારે તેમનો મોટો દીકરો મનીષ કુમાર પાંચ વર્ષનો અને નાનો દીકરો દેવિન્દર સિંહ ૩ વર્ષનો હતો. ૬ સપ્ટેમ્બરે ગુરતેજ સિંહ ઘરે પાછા આવ્યા ત્યારે પોતે પંચાવન વર્ષના હતા અને તેમના મોટા દીકરાને ૬ વર્ષનો દીકરો છે. આ ૨૩ વર્ષમાં તેમણે પિતા અને ભાઈને પણ ગુમાવ્યા હતા.
ગુરતેજ સિંહ પંજાબમાં એક ફૅક્ટરીમાં નોકરી કરતા હતા, પણ આવક ઓછી હતી એટલે ૨૦૦૧માં ૧૦ જણ સાથે લેબૅનન જવાનું નક્કી કર્યું હતું. એ માટે તેમણે એજન્ટને એક લાખ રૂપિયા આપ્યા હતા. એજન્ટે તેમને ડંકી રૂટથી જૉર્ડન, સિરિયા અને લેબૅનન મોકલ્યા હતા. શરૂઆતમાં ખેતીકામ કર્યું અને મહિને ૨૦,૦૦૦ રૂપિયા મળતા હતા, એમાંથી ૧૫,૦૦૦ પરિવારને મોકલતા હતા. ૨૦૦૬માં લેબૅનન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું એટલે ઘરે પાછા આવવાનું નક્કી કર્યું, પણ કમનસીબે તેમનો પાસપોર્ટ ખોવાઈ ગયો એટલે બીજા બધા પાછા જતા રહ્યા, પણ પછી ઓળખનો કોઈ પુરાવો ન હોવાથી તેઓ જઈ ન શક્યા. યુદ્ધ પછી ગુરતેજ સિંહ દરરોજ ભારતીય દૂતાવાસ જતા હતા. ત્યાં અધિકારીઓ કલાકો સુધી બેસાડી રાખતા અને છેલ્લે ફરીથી આવવાનું કહેતા હતા. આમ ને આમ ૨૩ વર્ષ નીકળી ગયાં. લુધિયાણામાં તેમનો પરિવાર રાજ્યસભાના સંસદસભ્ય સિચેવાલને મળ્યો અને તેમણે કરેલા પ્રયત્નો પછી ગુરતેજ સિંહ ઘરે પાછા આવી શક્યા છે.